Mysamachar.in-ગાંધીનગર:
અંગ્રેજો સમયથી ચાલી આવતી પગાર સહિતની વિસંગતતા બાબતે રાજ્ય પોલીસ દ્વારા લડતનાં મંડાણ કરી દેવામાં આવ્યા છે. ગ્રેડ-પે સહીતના મુદ્દે અમદાવાદના પોલીસ જમાદાર હાર્દિક પંડ્યાએ સચિવાલય સંકુલમાં પ્રતિબંધિત એરિયામાં શરૂ કરેલા આંદોલનને રાજ્યભરના પોલીસ કર્મચારીઓ સમર્થન આપી રહ્યા છે. રાજ્યમાં પહેલી વખત પોતાની માંગણીઓને લઇને પોલીસ દ્વારા જાહેરમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે પણ ગાંધીનગરમાં પોલીસ પરિવારો દ્વારા સહી ઝુંબેશ શરૂ કરી આર યા પારની લડાઈ જારી રાખવામાં આવી છે,રાજ્યભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે ગઈકાલથી શરૂ થયેલી લડતનાં બીજા દિવસે પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરમાંથી પોલીસ પરિવારો બાળકો સાથે પહોંચી રહ્યા છે.
એક તરફ પોલીસ કર્મચારીઓ ફરજના ભાગરૂપે પ્રજાની સેવામાં કાર્યરત છે અને બીજી તરફ પોલીસ પરિવારોએ ગાંધીનગરમાં છેક સુધી લડી લેવાની તૈયારી કરી છે. ત્યારે એક તરફ પોલીસકર્મીઓ ગ્રેડ પે મામલે આંદોલન કરી રહ્યાં છે, તો આ તરફ સરકાર દ્વારા કમિટીની રચના કરી ઘટતા પગલા લેવાની હૈયાધારણા આપવામાં આવી છે.પોલીસ પરિવારના સમર્થનમાં કેટલાક કોંગી ધારાસભ્યો તો આપના આગેવાનો પણ સરકાર સુધી પોલીસ વિભાગ માટે ઘટતી કાર્યવાહી કરવા રજુઆતો કરી રહ્યા છે.ત્યારે હવે આ મામલો આગામી સમયમાં કેવો રંગ પકડશે તે જોવાનું છે.