Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત સમગ્ર રાજયમાં ખાનગી શાળાઓની આકરી ફી હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. લાખો વાલીઓ આ મુદ્દે નારાજ પણ છે. અસંખ્ય વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી સરકારી નિશાળોમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. બીજી તરફ, શાળાઓ ઈચ્છી રહી છે કે- ફી સતત વધતી રહે. હવે આ મામલો સરકારી કમિટી સમક્ષ જશે. હાલમાં ખાનગી શાળાઓ પ્રાથમિકમાં 15,000, માધ્યમિકમાં રૂપિયા 20,000, ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહમાં 25,000 અને વિજ્ઞાન પ્રવાહમાં રૂપિયા 30,000 ફી વસૂલી શકે છે. જે શાળાઓ આ સ્લેબ કરતાં વધુ ફી વસૂલવા ઈચ્છતી હોય તેઓએ FRC સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. અને દરખાસ્ત વાઈઝ અભ્યાસ બાદ FRC ફી વધારો મંજૂર પણ કરતી હોય છે. એટલે કે, હોંશિયાર શાળાસંચાલકો હાલમાં પણ, મનગમતો ફી વધારો મેળવી જ લે છે. જેમાં વાલીઓને કોઈ કાંઈ પૂછતું પણ નથી.
હવે આ આખી વાત જુદી રીતે આગળ વધી રહી છે. શાળાઓના સંચાલકોની માંગણી એવી રહી કે, સરકારે ફી માટેના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંગેના સ્લેબમાં વધારો કરી આપવો જોઈએ કેમ કે મોંઘવારી વધી ગઈ છે અને વધી રહી છે. શાળાઓના સંચાલકોના મંડળે આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. રાજયના શિક્ષણ વિભાગે આ રજૂઆત ધ્યાન પર લઈ, આ નિર્ણય માટે એક કમિટીની રચના પણ કરી દીધી છે. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન અધ્યક્ષ છે. સ્કૂલ કમિશનર, પ્રાથમિક શિક્ષણ નિયામક, સંયુકત શિક્ષણ નિયામક, બોર્ડ સચિવ તથા ચારેય ઝોનના કો-ઓર્ડિનેટર કમ DEO આ કમિટીના સભ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે, સ્લેબની મર્યાદા વધારવા અંગેનો આ નિર્ણય કમિટીએ 45 દિવસની મર્યાદામાં આપવાનો રહેશે અને કમિટીએ રિપોર્ટ સાથેનો નિર્ણય સરકાર સમક્ષ રજૂ કરતાં પહેલાં આ મુદ્દે રાજયના વાલીઓ અને નાગરિકો પાસેથી સૂચનો મેળવવાના રહેશે.