Mysamachar.in- ગાંધીનગર:
પાટનગર ગાંધીનગર એક એવું શહેર છે જ્યાં રાજ્યભરના નેતાઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ વસવાટ કરે છે. આ શહેરમાં સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની અછત નથી, ગાંધીનગરને બાદ કરતાં આખા રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોની ઘટ છે.
ધારાસભ્ય અમિત ચાવડાના એક પ્રશ્નના ઉત્તરમાં આ વિગતો સામે આવી. રાજ્યના લગભગ તમામ જિલ્લામથકોમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોની અછત છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરેન્દ્રનગર, નર્મદા અને બનાસકાંઠા જિલ્લાઓની છે, અહીં 3-3 વર્ષથી નિષ્ણાંત તબીબોની મોટી ઘટ છે. આ જવાબ વિધાનસભામાં જાહેર કરતી વખતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના આ આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા ન હતાં.
સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબો માટે સરકારે કુલ 922 જગ્યાઓ જાહેર કરેલી છે, જે પૈકી 323 જગ્યાઓ પર નિષ્ણાંત તબીબો નથી. 142 જગ્યાઓ એક વર્ષથી ખાલી છે. 71 જગ્યાઓ બે વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે અને 110 નિષ્ણાંત તબીબોની જગ્યાઓ 3 કરતાં વધુ વર્ષથી ખાલી છે.
રાજકોટ અને અમદાવાદ જેવા મોટાં અને મહત્વના શહેરોમાં પણ નિષ્ણાંત તબીબોની સંખ્યાબંધ જગ્યાઓ વર્ષોથી ખાલી હોવા છતાં નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. પાટનગર ગાંધીનગરને નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ લાડકાં શહેર તરીકે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, એવું આ આંકડાઓ પરથી સમજાઈ રહ્યું છે. અને, આ વિગતોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના આંકડાઓ નથી. આ જિલ્લાઓમાં અંધેર ચાલી રહ્યું છે ?!