Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત મોડેલની દેશભરમાં બોલબાલા છે. સરકારથી સતત ખુશ રહેતાં ગુજરાતી મતદાતાઓ અને કરદાતાઓ શાસકપક્ષની ઝોળીમાં એકસાથે 156 વિધાનસભા બેઠક ઠાલવી ચૂક્યા છે. પરંતુ સામા પક્ષે અચરજની વાત એ છે કે, આ મતદાતાઓ અને કરદાતાઓ સરકારી આરોગ્યસેવાઓથી વંચિત છે ! રાજયનું આરોગ્યતંત્ર ખુદ વિકલાંગ છે, જેથી કરોડો મતદાતાઓ અને કરદાતાઓ રામભરોસે છે ! અને, આ સ્થિતિ ઉભી થવાનું કારણ એ છે કે, આપણાં પૈસે ભણેલાં ડોકટરોને આપણી સેવા કરવી નથી ! આ ડોકટરો દેવદૂત શબ્દની મશ્કરી કરી રહ્યા છે, ચોંકાવનારુ તથ્ય આ છે અને આ હકીકત ખુદ સરકારના રેકર્ડ પર છે.
ગુજરાતના આરોગ્યતંત્રમાં 1,327 ડોકટરોની જગ્યાઓ ખાલી છે. 546 તબીબોએ સરકારી ડોકટર તરીકેની નોકરીને લાત મારી દીધી છે. તેઓને સરકારી નોકરી કરવી નથી. તેઓને કરદાતાઓની સેવા કરવી નથી. તેઓને માત્ર લક્ષ્મીમાં રસ છે, તમારી તેઓને ચિંતાઓ નથી, તેઓ તમારાં પૈસે જ ભણ્યા છે, છતાંયે !!
સરકારે પાછલાં ત્રણ વર્ષ દરમિયાન રાજયમાં સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં કુલ 2,653 તબીબોને સરકારી ડોકટર તરીકે નોકરી આપી. આ તબીબોએ આ નોકરી કરવા ભણતી વખતે સરકારને બાંહેધરી આપી હતી એટલે કે તેઓ બોન્ડેડ તબીબો છે, સરકારી નોકરી કરવા બંધાયેલા તબીબો છે. આમ છતાં આ તબીબો પૈકી માત્ર 797 તબીબ નોકરી પર હાજર થયા. 1,856 તબીબો પૈકી 546 તબીબોએ કહી દીધું, નથી કરવી સરકારી નોકરી, લ્યો બોન્ડના પાંચ લાખ રૂપિયા !!
જામનગર સહિત સમગ્ર રાજયના 448 સામૂહિક આરોગ્ય કેન્દ્ર એવા છે જયાં સરકારી તબીબો નથી. અને રાજયના 273 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવા છે જયાં સરકારી ડોકટરની જગ્યાઓ ખાલી છે. એટલે કે, રાજયમાં ગ્રામ્ય વિસ્તારોના કરોડો મતદાતાઓ અને કરદાતાઓ એવા ગ્રામજનોને આરોગ્ય સંભાળ માટે તેના ગામમાં ડોકટર ઉપલબ્ધ નથી !! આ પરિસ્થિતિ માત્ર ચિંતાપ્રેરક જ નહીં, કરુણ છે. આટલાં બધાં લોકોનું આરોગ્ય અને જિંદગી રામભરોસે !!
આ વાત આટલેથી જ અટકતી નથી ! રાજયમાં પેરા મેડિકલ સ્ટાફ પણ ઘટે છે, 2,000 જગ્યાઓ પર ભરતીઓ થઈ નથી. વર્ગ 1 તબીબોની 637 જગ્યાઓ ખાલી છે અને વર્ગ 2 તબીબોની 630 જગ્યાઓ ખાલી છે. ગત્ વિધાનસભા સત્રમાં આ વિગતો ખુદ સરકાર દ્વારા જાહેર થઈ છે. પ્રજાના પૈસે ભણેલાં 1,310 તબીબો એવા પણ છે જેઓએ સરકારી નોકરી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો અને સરકારને કહી દીધું બોન્ડના નાણાં પણ આપવા નથી !! આ પ્રકારના ડોકટરોને લોકો દેવદૂત કેવી રીતે માની શકે ?!