Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે. અનુસાર દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ હર્ષદ માતાજીના મંદિર પાછળ આવેલ ગાંધવીના દરિયા કિનારે એક પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે શિવલિંગ ઉખેડી લઈ ગયાનું બહાર આવ્યું છે.
ઘટના ધ્યાને આવ્યા બાદ જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ, એલસીબી સહિતની ટીમો તપાસમાં લાગી છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ વિશેષ તપાસ હાથ ધરી છે. આવતીકાલે શિવરાત્રીનું મહાપર્વ છે ત્યારે આ પૂર્વે બનેલી આ ઘટનાથી સનાતનીઓમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે.જો કે પોલીસ આ અંગે નક્કર કાર્યવાહીઓ કરશે તેમ શિવભકતોને વિશ્વાસ પણ છે.

મહત્વનું છે કે દરિયા કિનારે આવેલું ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર વર્ષો જુનૂં મંદિર છે. આ પૌરાણિક મંદિરમાં આજે સવારે જ્યારે પૂજારી પૂજા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ અંગેની તેમને જાણ થઈ હતી. જે બાદ તેમણે આસપાસના લોકોને આ અંગેની માહિતી આપી હતી. મંદિરમાંથી રાતે આખેઆખું શિવલિંગ ઉઢાવીને કે ચોરી કરીને બહાર દરિયા કિનારે મૂકી દેવામાં આવતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.(તસ્વીર કુંજન રાડિયા)