Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જી.જી હોસ્પિટલ તરીકે ઓળખાતી ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ છે ! તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શીખસમાજમાં રોષ અને નારાજગી જોવા મળે છે. કારણ કે, ગુરુ ગોવિંદસિંગ શીખસમાજનાં આરાધ્ય છે. અને, તેઓનું નામ લખેલી નાસ્તા પ્લેટમાં જામનગરની બજારમાં લોકોને નાસ્તો પિરસવામાં આવી રહ્યો છે ! શક્ય છે હોસ્પિટલ સત્તાવાળાઓએ કોઈ કારણસર દર્દીઓ માટેની સેંકડો અથવા હજારો કેસ ફાઈલ પસ્તીમાં આપી દીધી હોય, અને આ ફાઈલો કોઈ ધંધાર્થી પાસે પહોંચતા તેણે પસ્તીનું વેલ્યુ એડિશન (મૂલ્યમાં વધારો) વિચારી તેમાંથી નાસ્તાની પ્લેટસ બનાવી નાંખી હોય ! આ પ્રકારની પ્લેટસ શહેરમાં લીમડાલાઈન વિસ્તારમાં જોવા મળી હોવાનું સૂત્રો જણાવે છે. જો કે પછી તપાસ માટે કેટલાંક શીખ યુવાનો ત્યાં પહોંચ્યા હતાં પરંતુ પ્લેટસ મળી આવી નથી ! ધંધાર્થીને ગંધ આવી ગઈ હોય અને તેણે આ પ્રકારની પ્લેટનો જથ્થો સગેવગે કરી દીધો હોય, એવું બને. પરંતુ શીખસમાજના આરાધ્યનાં નામનો આ રીતે દુરૂપયોગ થતાં, ભારે નારાજગી જોવા મળે છે અને જવાબદારો વિરુદ્ધ પગલાંની માંગણી પણ ઉઠી છે.