Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલનું મુખ્ય અને જૂનું બિલ્ડીંગ આ હોસ્પિટલની ઓળખ છે. આ બિલ્ડીંગ રાજાશાહીના જમાનાનું હોય, તેને હટાવી, તે જગ્યાએ નવી સુવિધાસભર ઈમારત બનાવવામાં આવશે અને તે માટે હાલ શિફ્ટીંગ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ ઈરવિન અને હાલ જીજી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની આ હોસ્પિટલની સૌથી જૂની અને મુખ્ય ઈમારત જ્યાં કેસબારી અને એક્સ-રે તથા ઓપીડી સહિતના સંખ્યાબંધ વિભાગો કાર્યરત છે, તે ઈમારત દાયકાઓ જૂની હોય, તેને તોડી પાડી, ત્યાં રૂ. 500 કરોડ કરતાં વધુ ખર્ચથી નવી અને સુવિધાઓથી સજ્જ ઈમારતનું નિર્માણ થશે.
આ જૂની ઈમારતને સંપૂર્ણ ખાલી કરવા અને ત્યારબાદ ત્યાં પાડતોડ કરવાની પ્રક્રિયાઓ પૂર્વે, હાલ આ ઈમારતના વિવિધ વિભાગોને અન્ય સ્થળે ખસેડવા માટેની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે મંગળવારે સવારે આ બાબતે Mysamachar.in દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે શિફ્ટીંગ પ્રક્રિયાઓ શરૂ થયાની બાબતને સમર્થન આપ્યું છે.
-તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીએ જણાવ્યું કે…
જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં રહેલા વિવિધ વિભાગોના શિફ્ટીંગ અંગે તબીબી અધિક્ષકે કહ્યું કે, હોસ્પિટલમાં દાઝી ગયેલા લોકોની સારવાર જ્યાં કરવામાં આવે છે, પોસ્ટ ઓફિસ નજીકની ઈમારત ખાતે, તે સંપૂર્ણ વિભાગ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટની કચેરીવાળો સંપૂર્ણ ભાગ ખાલી કરી, શિફ્ટ કરી લેવામાં આવ્યો છે.
ડો. દીપક તિવારીએ વધુમાં જણાવ્યું છે કે, હાલમાં સોનોગ્રાફી વિભાગના શિફ્ટીંગ માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ રેડિયોલોજી અને એનેસ્થેસિયા વિભાગોને કેવી રીતે શિફ્ટ કરવા જોઈએ, તે અંગે હજુ વિચારણા ચાલી રહી છે. દર્દીઓના વિભાગો એટલે કે વોર્ડ સૌથી છેલ્લે શિફ્ટ કરવામાં આવશે.
-આ બધી જાણકારીઓ દર્દીઓ અને તેમના પરિવારજનો સુધી કેવી રીતે પહોંચશે,
એ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે, અમો હાલ જૂના વિભાગોના શિફ્ટીંગ સમયે વિભાગ ક્યાં લઈ જવામાં આવ્યો છે તે દર્શાવવા બોર્ડ લગાવી રહ્યા છીએ. આ ઉપરાંત હોસ્પિટલના નોટિસ બોર્ડ પર પણ વિગતો મૂકવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયાઓની જાણકારીઓ લોકો સુધી પહોંચી શકે તે માટે તમામ પ્રચાર પ્રસાર માધ્યમોમાં વિગતોની જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું.
પ્રથમ પાડતોડ કયાંથી શરૂ થશે, એ પ્રશ્નના ઉત્તરમાં તબીબી અધિક્ષકે કહ્યું કે, સ્વાભાવિક રીતે જ અમોએ સૌ પ્રથમ વિભાગ પોસ્ટ કચેરી નજીકનો ખાલી કરાવ્યો હોય, અહીંથી પાડતોડની શરૂઆત કરવામાં આવશે એવો નિર્ણય PIU એટલે કે પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટ યુનિટ સાથેના સંકલનથી કરવામાં આવ્યો છે.(file image)