Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં નીતિમતા નેવે મુકાઈ ગઈ હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં એક શરમજનક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે, જ્યાં બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘરમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના મકાન માલિકના દિકરાએ મોબાઈલથી આ મહિલાનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો. આ દરમિયાન મહિલા મોબાઈલમા વીડિયો બનતાં જોઈ જતાં વીડિયો ઉતારનાર યુવક નાસી ગયો હતો. મહિલાએ તેના મકાન માલિકને તેમનો પુત્ર આવું કૃત્ય કરતો હોવાની જાણ કરી ત્યારે તેઓએ સમગ્ર બાબતને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. મહિલાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મકાનમાલિકના પુત્ર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી મહિલા બપોરે બારેક વાગ્યાની આસપાસ તેના ઘરની ચોકડીમાં સ્નાન કરવા બેઠી હતી. ઘરની દિવાલ પર લગાવેલ લોખંડની જાળીમાં એક મોબાઈલ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે કોણ વીડિયો ઉતારે છે એવી બૂમો પાડવા માંડી હતી. પરંતુ તેણે મોબાઈલનું ફોટાનું કવર જોતાં સમજાઈ ગયું હતું કે આ તેના મકાન માલિકનો પુત્ર હોવો જોઈએ. બાદમાં મહિલા કપડાં પહેરીને બહાર આવી હતી અને આસપાસ લોકોને તેમના ઘર પાસેથી કોઈ અવરજવર કરતું જોવા મળ્યું કે નહીં તે અંગે પુછ્યું હતું પરંતુ કોઈને ત્યાંથી પસાર થનાર વ્યક્તિ જોવા મળ્યો નહોતો.
બાદમાં મકાન માલિકને પણ પૂછ્યું હતું. મકાન માલિકના બંને દીકરાના મોબાઈલ ફોન જોવા માંગ્યા હતા. જોકે નાના દિકરાના મોબાઇલ ફોન પર કવર ન જણાઈ આવતા મકાન માલિકે જણાવ્યું હતું કે જૂનું થઈ ગયું છે જેથી કાઢી નાંખેલું છે. તેમનો નાનો દીકરો મોબાઈલ ફોન બતાવવામાં ડરતો હતો. જેથી મહિલાએ તેણે કહેલું કે તમે કોઈ ગંદુ કામ કર્યું નથી તો કેમ ડરો છો. આમ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ફોનમાં તપાસ કરતા મહિલાનો અશ્લીલ વીડિયો બનાવી ડિલીટ કરી નાખ્યો હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વીડિયો ઉતારનાર મકાનમાલિકના પુત્રની અટકાયત કરી છે.