Mysamachar.in-અમદાવાદ:
દેશના લગભગ તમામ રાજકીય પક્ષોમાં મહિલાઓની ભાગીદારી વધતી જાય છે, બીજી તરફ એવું પણ જોવા મળે છે કે, રાજકીય ક્ષેત્રમાં મહિલાઓની જાતીય સતામણી, નેતાઓ અને મહિલા અગ્રણીઓ અથવા કાર્યકર્તા વચ્ચેના ‘ગેરકાયદેસર’ સંબંધો અવારનવાર ચર્ચાઓમાં આવતાં હોય છે. આ ઉપરાંત ઘણાં પક્ષોમાં મહિલાઓની જાતીય સતામણીના કિસ્સાઓ પણ સમાચાર બનતાં હોય છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે દેશમાં ટોપ લેવલે નવી અને કાનૂની ગતિવિધિઓ શરૂ થઈ છે.
મહિલા કાર્યકરો અને રાજકીય પક્ષોના મહિલા સભ્યોની જાતીય સતામણીના કિસ્સાઓ ધ્યાન પર લઈ સુપ્રિમ કોર્ટે દેશના ચૂંટણીપંચને એમ પૂછયું કે, જે રાજકીય પક્ષો ચૂંટણીપંચ સમક્ષ નોંધાયેલા હોય તેવા પક્ષોમાં જો મહિલાઓની જાતીય સતામણી થતી હોય તો, તેવા કિસ્સામાં રાજકીય પક્ષોને મહિલાઓની કામના સ્થળે જાતીય સતામણી અંગેના કાયદા સેકસયુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એકટ-2013 હેઠળ લાવી શકાય કે કેમ ?
2 મહિલા વકીલ દ્વારા આ અંગે સુપ્રિમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં આ મહિલા વકીલોએ ખંડપીઠને એમ કહ્યું કે, બધાં જ રાજકીય પક્ષોમાં મહિલાઓ હોય છે, હોદ્દાઓ પર પણ હોય છે, આમ છતાં એકમાત્ર રાજકીય પક્ષ ડાબેરી પક્ષ(CPM) દ્વારા આ સંબંધે આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિમાં એવા લોકોને સભ્ય બનાવવામાં આવ્યા છે, જે પક્ષમાં ન હોય.
આ મહિલા વકીલોએ એમ પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં આવી સમિતિ છે પણ તેમાં પારદર્શિતાનો અભાવ છે. ભાજપા અને કોંગ્રેસે એ હકીકત સ્વીકારી છે કે, આ કાયદામાં જે કહેવાયું છે તેના માટે અમોએ અમારાં પક્ષમાં આવી કોઈ સમિતિઓ બનાવી નથી. મહિલા વકીલો કહે છે: બંધારણની ભાવના અનુસાર કાયદો બધાંને લાગુ પડે છે એટલે મહિલાઓની ગરિમા જાળવવા તમામ નોંધાયેલા રાજકીય પક્ષોએ પણ પોતપોતાના પક્ષમાં આવી સમિતિઓની રચના કરવી જોઈએ.
સુપ્રિમ કોર્ટની ખંડપીઠે કહ્યું: આ મામલો રાજકીય પક્ષોના સંદર્ભમાં નોકરીદાતા અને મહિલા કર્મચારીઓ એવો મામલો નથી, પરંતુ આ મુદ્દો અતિશય મહત્વપૂર્ણ છે. જેનો અભ્યાસ કેન્દ્રીય ચૂંટણીપંચે કરવો જોઈએ. મહિલા કર્મચારીઓ પક્ષમાં કામદાર નથી, પક્ષ નોકરીદાતા નથી. એમ છતાં આ અંગે જરૂરી વિચારણાઓ આવશ્યક લેખી શકાય.
સુપ્રિમ કોર્ટની ખંડપીઠે મહિલા વકીલોને (અરજદારોને) એમ પણ કહ્યું કે, આ મામલો ચૂંટણીપંચ સમક્ષ લઈ જવો જોઈએ. જો ત્યાં આપને સંતોષકારક પ્રતિભાવ ન મળે તો આપ અરજદાર ફરીથી અહીં અદાલત સમક્ષ આવી શકો છો. સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ નામની એક સંસ્થાનો એક રિપોર્ટ એક અગ્રણી આર્થિક અખબારમાં છપાયેલો. જેમાં કહેવાયું છે કે, 50 ટકા મહિલાઓ કહે છે કે, શબ્દો વડે પક્ષમાં જાતીય સતામણી થઈ રહી છે, 45 ટકા મહિલાઓ કહે છે: શારીરિક હિંસા અને ધમકીના બનાવો બને છે, ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન. 67 ટકા મહિલાઓ કહે છે: 58 ટકા પુરૂષો તેમજ સહમહિલા કાર્યકરો દ્વારા આવી સતામણી થતી હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, માર્ચ-2022માં કેરળની વડી અદાલતે એક ચુકાદો આપેલો. જેમાં કહેવાયું હતું કે, કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગેનો 2013નો એક્ટ રાજકીય પક્ષો માટે બંધનકર્તા નથી. પક્ષોએ આવી ફરિયાદ સમિતિની રચના કરવી ફરજિયાત નથી. કેમ કે, પક્ષો અને કાર્યકરો વચ્ચે નોકરીદાતા-કર્મચારીઓ એવો સંબંધ નથી.(symbolic image)