Mysamachar.in-અમદાવાદઃ
મેટ્રોસિટી અમદાવાદ શહેરની ચમકદાર રોશની વચ્ચે બંધ બારણાના અંધારી આલમમાં થતા દેહવ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અહીં વસ્ત્રાપુર લેક પાસેના આમ્રપાલી લેકવ્યૂ બિલ્ડિંગમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારબાદ પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલી ખરાઇ કર્યા બાદ દરોડા પાડ્યા હતા, જેમાં મિઝોરમ સહિત આંતરરાજ્ય અને વિદેશથી આવેલી 5 યુવતીઓને છોડાવી, સ્પાના માલિક, મેનેજર અને સંચાલક સહિત કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગત પ્રમાણે બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની ટીમે બુધવારે બપોરે ધ રિટ્ઝ વેલનેસ સ્પામાં રેડ કરી હતી. જેમાં વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવતા સ્પાના મેનેજર દિલીપ ઠાકોર, તથા વિશાલ પટેલ તેમજ સ્પાના સંચાલક તથા માલિક સમીર રામાનુજ અને કેતન નરેન્દ્રભાઈ પરમારની સામે ઈમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે વાસ્તવિકતા જાણવા માટે એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો. આ ડમી ગ્રાહકને 8,500 રૂપિયા આપી ચલણીનોટોના નંબર લખી લેવાયા હતા. ત્યારબાદ બોગસ ગ્રાહક સ્પામાં ગયો હતો અને પૈસા આપી તે રૂમમાં ગયો હતો જ્યાં તેને વેશ્યાવૃત્તિ થઈ રહી હોવાની પૃષ્ટિ મળતા તેણે પોલીસને ઈશારો કરતા જ પોલીસે સ્પામાં રેડ કરી હતી. ઘટના બાદ એવી પણ ચર્ચા શરૂ થઇ કે IPS અધિકારી વતી તેનો વહીવટદાર રૂપિયા 7 લાખની તોડ કરવા આ સ્પામાં ગયો હતો, પરંતુ સ્પા સંચાલકે પૈસા આપવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. બાદમાં સાહેબે જ પોલીસને સ્પામાં સેક્સ રેકેટ ચાલતું હોવાની જાણ કરી હતી.