mysamachar.in-જામનગર
જામનગરના ખોડીયારકોલોની વિસ્તારમાં રહેતી સગીરાને ઉઠાવી જઇ પંચમહાલ જિલ્લાના શખ્સે બળજબરી પુર્વક શારીરીક સંબંધો બાંધી તેણી પર બળાત્કાર ગુર્જાયો હતો. પાંચ વર્ષ પુર્વેનો આ કેસ જામનગર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી સાત વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
વર્ષ ૨૦૧૪ માં ખોડીયારકોલોની વિસ્તારમાં રહેતી એક સગીરાને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામનો દિલીપ ઉર્ફે ભલીયો અર્જુનભાઇ પલાર નામના શખ્સે તેણી સાથે બોલાચાલીનો સંબંધ વિકસાવ્યો હતો.જે બાદ મોકો શોધીને બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરી તેણીને પોતાના મામાના ઘરે લઇ ગયો હતો. જ્યાં આરોપીએ દશેક વખત સગીરા સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતાં. જે-તે સમયે આ બનાવ અંગે સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો,
આ કેસ જામનગરની સ્પેશ્યલ પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં સરકાર પક્ષના વકીલે કુલ ૨૫ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૪ સાહેદો તપાસવામાં આવ્યા હતાં. કોર્ટમાં સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને રજુ કરવામાં આવ્યા હતાં. જેના અનુસંધાને આજે કોર્ટે આરોપી દિલીપને દોષીત ઠેરવી જુદી -જુદી કલમો અંતર્ગત સાત વર્ષની સજા અને 5 હજારના દંડ ફટકારતો ચુકાદો આજરોજ આપ્યો છે.