Mysamachar.in-જામનગર:
જામનગર શહેરથી થોડે દૂર ખીજડીયા પંથકના દરિયાકિનારે કેટલાંક વિવાદાસ્પદ ધાર્મિક દબાણો ઘણાં વર્ષોથી હતાં, જે ગત્ રાત્રે તોડી પાડવામાં આવ્યા છે. આ દબાણોવાળા બાંધકામોમાં કેટલાક ડ્રગ્સના આરોપીઓ સહિતના અસામાજિક તત્ત્વોને આશરો પણ આપવામાં આવતો હતો એમ ખુદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.
ગઈકાલે મંગળવારે જામનગર વનવિભાગ તથા પોલીસવિભાગની સંયુકત કામગીરીઓમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જે જગ્યાઓ પરથી આ ધાર્મિક દબાણો હટાવાયા છે તે પૈકીની મોટાભાગની જગ્યાઓ વનવિભાગ હસ્તકની છે અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ લેખાતી આ જગ્યાઓ પર દસેક વર્ષથી દબાણો ખડકાયેલા હતાં. જે આખરે હટાવાયા છે અને વનવિભાગ હસ્તકની આ જમીનો ખુલ્લી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ ઓપરેશન સંબંધે જણાવ્યું છે કે, જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના દરિયાઈ વિસ્તારોમાં કેટલાંક લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ ખૂબ જ સંવેદનશીલ જગ્યાઓ પર આવેલાં છે. આ જગ્યાઓ પર ધાર્મિક દબાણો હતાં. આ ગેરકાયદેસર બાંધકામોમાં આરોપીઓને આશરો પણ આપવામાં આવતો. આ તમામ 7 ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઓપરેશન દરમ્યાન મરીન સેન્ચુરી તથા ખીજડીયા પક્ષી અભયારણ્યની હદમાંથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા. આ તકે મોટો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં અંદાજિત 15,000 સ્કવેર ફૂટ જગ્યાઓ ખૂલ્લી થઈ છે.આ જગ્યાઓ પર કુલ 9,000 સ્કવેર ફૂટ જેટલાં ગેરકાયદેસર બાંધકામ ગત્ 10 વર્ષ દરમિયાન ખડકાઈ ગયા હતાં ! આખરે વનવિભાગની આ સંવેદનશીલ જગ્યાઓ હાલ ખૂલ્લી થઈ શકી છે. આ સમગ્ર ઓપરેશનને કારણે ખીજડીયા સહિતના જામનગરના દરિયાઈ પટ્ટા પર ચકચાર મચી ગઈ છે. અને, આ ઓપરેશનથી દરિયાઈ સુરક્ષા દ્રઢ બની છે.
