Mysamachar.in-જામનગર:
કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી પોતાની નિયમાનુસારની ફરજ બજાવે, સરકાર વતી કામગીરીઓ કરે ત્યારે અમુક તત્વોને આ સરકારી કામગીરીઓ કઠતી હોય છે, આ પ્રકારના ઘણાં કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ પર હુમલાના બનાવ બનતાં હોય છે. આ ટ્રેન્ડ ચિંતાજનક અને ગંભીર છે. કારણ કે, આ પ્રકારના કિસ્સાઓમાં એક અર્થમાં આવા તત્વો ખુદ સરકારને પડકાર ફેંકે છે. સરકારે આ મામલાઓની ગંભીરતા ધ્યાને લઈ આવા તત્ત્વોની સખત નશ્યત કરવી જોઈએ, એવી લાગણી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં જોવા મળી રહી છે.
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ થાય, હુમલાઓ થાય તો, એવું પણ બને કે, અધિકારીઓ અને કર્મચારીઓમાં ફરજો બજાવવાના ઉત્સાહ પર બ્રેક લાગે. અંતે, આ નુકસાન સરકારની એટલે કે પ્રજાની તિજોરીને સહન કરવું પડે. અને, આવા કિસ્સાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓની સલામતીનું શું ? હુમલા દરમિયાન ધારો કે કોઈ અધિકારી અથવા કર્મચારીનું મરણ થઈ જાય તો ?! અને, હુમલાખોરોની આ માનસિકતા બિહારી અસામાજિક તત્ત્વો જેવી લેખાવી શકાય, કે જેઓ જંગલરાજ ચાહતાં હોય !
જામનગર જિલ્લામાં એક જ સપ્તાહમાં બે નજીકના તાલુકાઓમાં આ પ્રકારના હિચકારા હુમલાઓ થયા હોય, સમગ્ર ધ્રોલ કાલાવડ પંથકમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. આ હુમલાખોરોને કાયદાનો, પોલીસનો કે સજાનો ડર નથી ?! કાયદો હાથમાં લઈ જંગલરાજ ફેલાવવાની આ પ્રકારના તત્વોની માનસિકતા પર વેળાસર કડક અંકુશ આવવો જોઇએ, ઝડપાઈ ગયેલાં હુમલાખોરો કાયદાઓની છટકબારીઓનો ગેરલાભ ન લઈ જાય, તે બાબત સુનિશ્ચિત કરવી જોઈએ. અને, આવી ઘટનાઓનું ફરી કયારેય પુનરાવર્તન ન થાય તે પ્રકારની ધાક પોલીસે તથા ન્યાયતંત્રએ પેદા કરવી જોઈએ, એવી લાગણી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં જોવા મળી રહી છે. જો આમ નહીં થાય તો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજો બજાવતાં ખચકાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ ધ્રોલમાં એક માઈનોર બ્રિજના નિર્માણમાં કામની કવોલિટી જાળવવા એક ઈજનેર કક્ષાના અધિકારીએ કોન્ટ્રાક્ટરને કહ્યું તો, આ કોન્ટ્રાક્ટર પાર્ટીના માણસો દ્વારા આ ઈજનેરની હત્યા નિપજાવવા સુધીનો પ્રયાસ થયો ! આ બનાવ ધ્રોલના મોટા ઈટાળામાં બનેલો. ત્યારબાદ, કાલાવડમાં આ પ્રકારના તત્ત્વોએ સરકારી કર્મચારીઓને દુકાનમાં પૂરીને માર્યા ! આ મામલો વીજબિલ નાણાંની વસુલાતનો હતો. આ પ્રકારની ઘટનાઓને કારણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ અહીં જામનગર જિલ્લામાં બિહારનું જંગલરાજ ફીલ કરી રહ્યા છે અને ફફડી રહ્યા છે.
આ પ્રકારના તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય, અને ધરપઅટકાયતકડો થાય, અદાલતમાં કેસો ચાલે- એટલું જ પૂરતું નથી. આવા તત્ત્વોની સાન ઠેકાણે લાવવા સરકારે આવી બાબતો ન બને તે માટે આકરૂં વલણ અખત્યાર કરવું જોઈએ અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે પોલીસે એવી ધાક પેદાં કરવી પડે કે, આવા તત્ત્વો ભવિષ્યમાં કયારેય પોતે બેખૌફ હોવાની લાગણી ન અનુભવી શકે, તો જ આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાશે. ત્યાં સુધી સરકારી ફરજમાં રૂકાવટના બનાવો અને હત્યા પ્રયાસ સહિતના જીવલેણ હુમલાઓ થતાં રહેશે અને આવા તત્ત્વો પોતાને ‘ડોન’ સમજતાં રહેશે અને સ્થિતિ વધુ ગંભીર બની જશે. આ ટ્રેન્ડ આજે અને અત્યારે જ અટકવો જોઈએ એવી લાગણી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સમગ્ર સમાજ પણ ઈચ્છી રહ્યો છે.