Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારમાં મંત્રી તરીકે ફરજો બજાવતા બચુ ખાબડના પુત્રની સરકારી યોજનાના કરોડોના કૌભાંડમાં ધરપકડ થતાં સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે, આ ઉપરાંત આ જ મંત્રીના અન્ય એક પુત્રની પણ આ જ કૌભાંડમાં સંડોવણી બહાર આવતાં, મંત્રીના બીજા પુત્રની પણ ધરપકડ થશે ? એ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ‘મનરેગા’ યોજનામાં થયેલા કરોડોના આ કૌભાંડમાં અત્યાર સુધીમાં અન્ય 5 શખ્સોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અને, આજે મંત્રીપુત્ર ઉપરાંત એક સરકારી અધિકારીની પણ ધરપકડ થઈ છે, જેને પરિણામે આ કૌભાંડ હવે સમગ્ર રાજ્યમાં ગાજવીજ મચાવી રહ્યું છે.

આ ચકચારી કૌભાંડની જાહેર થયેલી વિગતો આ પ્રમાણે છે: જિલ્લામથક દાહોદ પંથકમાં કેન્દ્ર સરકારની યોજના ‘મનરેગા’માં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે એવી વિગતો થોડા સમય અગાઉ બહાર આવેલી અને આ કૌભાંડની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 2 એકાઉન્ટન્ટ સહિત 5 શખ્સો તો જેલમાં પણ ધકેલાઈ ગયા છે. આ ચકચારી કૌભાંડમાં સરકારના મંત્રી બચુ ખાબડ (દેવગઢ બારીયાના ધારાસભ્ય)ના 2 પુત્રો બળવંત અને કિરણ ખાબડની પણ સંડોવણી છે અને આ આખું કૌભાંડ રૂ. 71 કરોડનું છે, એ વિગતો બહાર આવતાં તપાસ સઘન બની. ત્યારબાદ આજે જાહેર થયું કે, આ કૌભાંડમાં મંત્રીપુત્ર બળવંતની તથા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની પણ ધરપકડ થઈ. આ સમાચાર સમગ્ર રાજ્યમાં વાયુવેગે ફેલાઈ જતાં ભારે સનસનાટી મચી ગઈ છે.

દાહોદમાં મનરેગા કૌભાંડમાં વર્ષ 2021 થી 2025 ના ‘ખોટા’ કામો જાહેર થઈ ગયા. રૂ. 71 કરોડના આ કૌભાંડમાં 35 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જે પૈકી 1 એજન્સી બળવંત ખાબડની છે. 1 એજન્સી કિરણ ખાબડની છે. બંને એજન્સીઓના નામોમાં પ્રથમ શબ્દ ‘રાજ’ છે. આ નામ હેઠળ આ કામોમાં ‘રાજ’ ચલાવવામાં આવતું હતું. આખરે રાજ લૂંટાયુ. પાછલાં 5 વર્ષ દરમિયાન મનરેગાના આ ખોટા કામો ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયતો હસ્તક થયા હોવાની ફરિયાદ દાહોદના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. આ મામલો અત્યાર સુધી માત્ર દાહોદ જિલ્લામાં ચર્ચાઓમાં હતો. હવે મંત્રીપુત્રની ધરપકડ થતાં સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ચર્ચાઓમાં છવાઈ ગયું છે.