Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલમાં આઉટસોર્સના કેટલાંક પરચૂરણ કર્મચારીઓને સંવેદનશીલ કામગીરીઓની સોંપણી કરી, આવા કર્મચારીઓ મારફતે મોટા કુંડાળાઓ આચરવામાં આવી રહ્યા હોવાની સનસનાટીપૂર્ણ વિગતો બહાર આવવા પામી છે. ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી આવી બધી બાબતોમાં મહારત ધરાવતી હોવાનું જાણવા મળે છે. જીજી હોસ્પિટલમાં આવો વધુ એક મામલો જાહેર થઈ ગયો છે, જેમાં સરકારી નાણાંની કથિત ઉચાપત મામલે ખાનગી કોન્ટ્રાક્ટરના એક માણસને ઘરભેગો કરી, તેની સાથે સંકળાયેલા મનાતા કેટલાંક લોકોને બચાવી લેવાનો પ્રયાસ પણ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં એમ.જે.સોલંકી નામની એક ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી વર્ષોથી ‘રાજ’ ચલાવી રહી છે. આ એજન્સી લાંબા સમયથી વિવિધ વિવાદોમાં ચમકે છે, આમ છતાં અચરજ એ છે કે, મુખ્ય કોન્ટ્રાક્ટરનો કયારેય વાળ વાંકો થયો નથી. દરેક વિવાદ વખતે કોઈ પરચૂરણ કર્મચારીને હોળીનું નાળિયેર બનાવવામાં આવે છે અને વગદાર લોકો બચી જતાં હોય છે. આવુ વધુ એક વખત બન્યુ છે. એક શખ્સ સરકારી નાણાંની કથિત ઉચાપત મામલે બરતરફ થયો છે.

આજે શનિવારે સવારે આ બાબતે Mysamachar.in દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, ભાર્ગવ નામનો આ કર્મચારી ઘણાં વર્ષોથી આઉટસોર્સ એજન્સી એમ.જે.સોલંકીના કર્મચારી તરીકે જીજી હોસ્પિટલમાં એકાઉન્ટ વિભાગની કામગીરીઓમાં ક્લાર્ક તરીકેની ભૂમિકાઓ ભજવતો હતો. આ વિભાગમાં, પ્રાથમિક દ્રષ્ટિએ એમ જાણવા મળે છે કે, કેટલાંક લોકોએ સાથે મળીને સરકારમાંથી આવતા નાણાં પૈકી સોળેક લાખ રૂપિયાની ઉચાપત કરી છે. અને આ કામગીરીઓ ભાર્ગવ નામના કર્મચારી હસ્તક થયાનું ધ્યાન પર આવતા તેને નોકરીમાંથી તાત્કાલિક અસરથી રૂખસદ આપી દેવામાં આવી છે અને આ મામલામાં વધુ તપાસ માટે, પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે.
ડો. દીપક તિવારીએ એમ પણ ઉમેર્યું કે, આ પ્રકરણમાં વધુ ‘ખોદકામ’ની આવશ્યકતાઓ દેખાઈ રહી છે. એમ.જે.સોલંકી પહેલાં જે કોન્ટ્રાક્ટર એજન્સી અહીં કામ કરતી હતી તે પણ આવી જ મથરાવટી ધરાવતી હતી. પોલીસ તપાસમાં આ એકાઉન્ટ વિભાગની વધુ અનિયમિતતાઓ કે ગેરરીતિઓ બહાર આવશે તો, અન્ય કસૂરવારો વિરૂદ્ધ પણ કાર્યવાહીઓ કરવામાં આવશે.

-પરચૂરણ કર્મચારીઓને મહત્વપૂર્ણ કામગીરીઓ સોંપવી- એ એક વ્યૂહરચના !!?
સામાન્ય રીતે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં એકાદ બે પરચૂરણ કર્મચારીઓને ચોક્કસ જગ્યાઓ પર સંવેદનશીલ કામગીરીઓ સોંપવામાં આવતી હોય છે અને કોઈ કુંડાળુ ધારો કે જ્યારે પણ બહાર આવી જાય તો અને ત્યારે, આ પરચૂરણ કર્મચારી પર બધું ઢોળી, લાગતા વળગતા વગદાર લોકોને બચાવી લેવામાં આવતા હોય છે. જીજી હોસ્પિટલમાં આ મામલામાં પણ કોન્ટ્રાક્ટર એજન્સીએ આ પ્રકારની ચાલ ખેલી હોય- એવું દેખાઈ રહ્યું છે. આ એજન્સીએ જેટલા કર્મચારીઓને નોકરીઓ આપી છે, તેના કરતાં વધુ કર્મચારીઓ ‘કાગળ’ પર દેખાડયા છે અને એ રીતે પણ સરકારી નાણાંની ઉચાપત અને સરકાર સાથે છેતરપિંડીઓ થતી હોવાની પણ ચર્ચાઓ છે ! આ આખા મામલામાં ખરેખર તો એકાઉન્ટ વિભાગ અને ઓડિટ વિભાગ બંનેનું ‘ઓપરેશન’ થવું જોઈએ એમ જાણકારો માને છે અને કહેવાય છે કે, લાખો રૂપિયાનું દેખાતું આ પ્રકરણ કરોડો રૂપિયાનો ‘ખેલ’ હોય શકે છે.
