Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને પંથકમાં વધુ એક વખત સનસનાટી સર્જાવા પામી છે. એક તરુણનો મૃતદેહ શહેરથી થોડે દૂર મળી આવ્યો છે, અચરજની વાત એ છે કે, આ મૃતદેહ કોઈએ સળગાવી નાંખ્યો છે. આ તરુણનું મોહનનગર નજીકના આવાસ ખાતેથી અપહરણ થયું હતું. એવી FIR છે પરંતુ અપહરણના CCTV ફૂટેજ દર્શાવે છે કે, આ તરુણ કોઈ કારણસર પોતાના ખાસ મિત્રના બાઈક પર સ્વેચ્છાએ બેસી ગયો હતો, તરુણ સાથે આવાસના ગેઈટ પર કોઈ બળજબરી થઈ ન હતી.
સમગ્ર શહેર અને પંથકમાં સનસનાટી જગાવનાર આ કાતિલ ઘટનાની જાહેર થયેલી વિગતો એવી છે કે, શહેરના ગુલાબનગર મોહનનગર નજીકના આવાસમાં બિલ્ડીંગ નં. 15 માં ત્રીજા માળે 302 નંબરના ફલેટમાં ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા નામના 58 વર્ષના દરજી ધંધાર્થી પોતાના પત્ની ઉષાબેન અને પુત્ર હાર્દિક સાથે વસવાટ કરે છે, તે દરમિયાન તેના 16 વર્ષના સગીર પુત્ર હાર્દિકની લાશ જામનગરથી થોડે દૂર સળગેલી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર અને અરેરાટી પ્રસરી ગઇ છે. જો કે, આરોપી હાલ પોલીસના કબજામાં છે અને સિટી એ ડિવિઝન પોલીસમથકના પોલીસ ઈન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા આ ચકચારી ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્ર કરી રહ્યા છે. પોલીસે જણાવ્યા અનુસાર, બંને પુખ્ત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અને આરોપીઓએ આ ગુનાની પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી હોવાનું મૃતક સગીરના પિતા ગોપાલભાઈએ આજે બપોરે મીડિયાકર્મીઓ સમક્ષ જાહેર કર્યું છે.
મૃતક સગીરના માતાપિતાએ મીડિયાકર્મીઓ સમક્ષ આપેલી વિગતો અનુસાર, આરોપીઓ પૈકીનો એક દલવાડી શખ્સ આ પીઠડિયા પરિવાર સાથે અત્યાર સુધી ઘરોબો ધરાવતો હતો. અવારનવાર તેમના ઘરે આવતો. હાર્દિકને સારી રીતે લાડ કરતો, નાસ્તો પણ અપાવતો અને નિશાળે મૂકવા પણ ક્યારેક જતો. ઉષાબેન કહે છે: તેઓ આ આરોપીને અત્યાર સુધી દીકરાની જેમ રાખતાં. પરંતુ આરોપીએ આ પરિવારનો ભરોસો તોડયો, સંબંધનો ગેરફાયદો ઉઠાવ્યો, આરોપીની નજર હાર્દિક પર બગડી હતી. મૃતકના પિતા ગોપાલભાઈ કહે છે, આરોપીનો ઈરાદો સારો ન હતો, આરોપીએ હાર્દિકનું જાતીય શોષણ કર્યું હોવાની આશંકા પણ ગોપાલભાઈએ વ્યક્ત કરી છે !!
મૃતકના માતાએ ગુરુવારે રાત્રે અગિયાર વાગ્યે પોલીસમાં એમ જાહેર કરેલું કે, ગુરુવારે સવારે 7 થી બપોરના 1 વાગ્યા દરમિયાન તેના પુત્રનું આવાસ નજીકથી અપહરણ થયું છે. અજાણ્યો ઈસમ તેના સગીર પુત્રને ઉપાડી ગયો છે. કાલે ગુરુવારે આખો દિવસ મૃતક સગીરના માતાપિતાએ પુત્રને શોધવા આકાશપાતાળ એક કર્યા, આખો દિવસ રઝળપાટ કર્યો અને આખરે ફરિયાદ નોંધાવી.
ત્યારબાદ આજે સવારે એવું જાહેર થયું કે, જામનગર-કાલાવડ રોડ પરના સુવરડા પાટીયા નજીકના વિસ્તારમાં આવેલી બે ભાઈના ડુંગર તરીકે ઓળખાતી જગ્યા પાસેના એક અવાવરુ વિસ્તારમાં કોઈ છોકરાનો મૃતદેહ પડ્યો છે. બાદમાં જાણવા મળેલ કે, આ મૃતદેહને સળગાવવાનો પ્રયાસ થયો છે ! આ મૃતદેહનો કબજો સંભાળી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ હાથ ધરતી વખતે, ગુરુવારે પોતાના પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવનાર પીઠડિયા પરિવારને ફોરેન્સિક સાયન્સ વિભાગ, મેડિકલ કોલેજ નજીક બોલાવી મૃતદેહની ઓળખ કરાવી હતી ત્યારે મૃતકના માતાપિતાએ હૈયાફાટ રુદન કરતાં, પોતાના લાડલાને ઓળખી બતાવ્યો હતો અને આ સમયે માતાપિતા પર આભ તૂટી પડ્યું હતું.