Mysamachar.in:ગુજરાત
ગુજરાત સહિત દેશભરમાં બ્રિટિશ યુગનો કાયદો ‘રાજદ્રોહ’ લાંબા સમયથી ચર્ચામાં છે. આઝાદ ભારતમાં અમલી આ બ્રિટીશ યુગનો કાયદો ઘણાં વખતથી વિવાદનું કેન્દ્ર પણ બન્યો હતો. આ કાયદા અંતર્ગત રાજકીય હિસાબો સરભર થઈ રહ્યા છે, એવું અદાલતો ઉપરાંત લોકો પણ વિચારવા લાગ્યા હતાં. આખરે ગત્ મે મહિનામાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ કાયદા સંદર્ભે સરકારને વિશેષ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ હાલ, એટલે કે આ મહિનામાં જાહેર થયું છે કે, સરકાર આ કાયદાની પુનઃ સમીક્ષા કરી રહી છે. અને, હવે આ કાયદાની કલમ હેઠળ એક પણ નવી FIR ન નોંધવી એવો નિર્ણય પણ થયો છે.
સુપ્રિમ કોર્ટે કાલે સોમવારે રાજદ્રોહ કાયદામાં સજાની જે જોગવાઈ છે તેને પડકારતી અરજીઓની સુનાવણી મુલતવી રાખી છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું છે કે, બ્રિટિશ જમાનાનાં આ કાયદામાં શિક્ષા કે સજાની જે જોગવાઈ છે તેની પુનઃસમીક્ષા માટેનાં પરામર્શનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. સરકાર દ્વારા IPCની કલમ 124Aની પુનઃસમીક્ષા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે સરકાર વતી એટર્ની જનરલ આર. વેંકટરામાનીએ કરેલી રજૂઆતને સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે ધ્યાનમાં લીધી છે. બેન્ચે આ મામલાની વધુ સુનાવણી ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધી મુલતવી રાખી છે. રાજદ્રોહનાં ગુનામાં સજાની જોગવાઈની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓની સુનાવણી સુપ્રિમ કોર્ટ હાથ ધરશે.
-સરકાર દ્વારા શા માટે પ્રોસેસ શરૂ કરવામાં આવી ?
અત્રે ઉલ્લેખનીય છે કે, 11/05/2022 નાં દિવસે, સુપ્રિમ કોર્ટે આ મુદ્દે બ્રિટિશ જમાનાનાં આ કાયદાની સજાની જોગવાઈની પુનઃસમીક્ષા સરકાર ન કરે ત્યાં સુધી, કેસનો ચુકાદો સ્થગિત રાખવા, કોઈ નવી FIR ન કરવા તથા કેસની તપાસ ન કરવા તેમજ આ મુદ્દે તમામ પ્રકારની કામગીરી સ્થગિત રાખવા કેન્દ્ર તથા રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો. ત્યારબાદ, કાલે સોમવારે સરકારે અદાલતમાં જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશ પ્રમાણે આ પ્રોસેસ હાલ ચાલુ છે.






