Mysamachar.in-ગાંધીનગર
કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષમાં શિક્ષણની સ્થિતિ પણ બગડી છે, અને વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન શિક્ષણ લઇ રહ્યા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા ઘટી જતા સરકારનો શિક્ષણ વિભાગ તબક્કાવાર ક્યાં ધોરણો ચાલુ કરવા તે અંગેનો નિણર્ય જાહેર કરી રહ્યો છે, આજે પણ આવો જ એક નિર્ણય જાહેર થયો છે, જેમાં ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે.
આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત શિક્ષણમંત્રીએ કરી છે, સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે.
ગુજરાતભરમાં ધોરણ 9 થી 12 તથા કોલેજનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયુ હતું. પરંતુ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ આખરે આ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરથી ગુજરાતભરની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓફલાઈન વર્ગોની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. ધોરણ 6 થી 8 ના વર્ગો 50 ટકા હાજરી સાથે શરૂ કરાશે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ફરજિયાતપણે પાળવા પડશે. તેમજ શાળાઓએ તમામ પ્રકારની એસઓપીનું પાલન કરવું પડશે.આમ હવે શાળાઓના પ્રાંગણો ફરી વિદ્યાર્થીઓની હાજરીથી ગુંજી ઉઠશે.