Mysamachar.in-જામનગર:
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી BCK-4 સિવાયની કોઈ પણ પ્રકારની શિષ્યવૃતિ યોજનામાં E-KYC ની જરૂરિયાત રહેતી ન હોવા છતાં, તાજેતરમાં વંદે ગુજરાત દ્વારા એક કોન્ફરન્સ યોજીને ફરજિયાત રીતે શિક્ષકોને આ E-KYC કામગીરીઓમાં જોતરવામાં આવ્યા હોય, શિક્ષકોમાં ભારે નારાજગીઓ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર થોડાં થોડાં સમયે શિક્ષકો, આંગણવાડી વર્કર તથા આશા વર્કર સહિતના કર્મચારીઓને જુદી જુદી અને વધારાની કામગીરીઓમાં ફરજિયાત રીતે જોતરે છે જેને પરિણામે આ લાખો કર્મચારીઓના મૂળ કામો રઝળી પડે છે અને આ કારણોસર લાખો કર્મચારીઓમાં અસંતોષ નારાજગીઓ અને સરકાર પ્રત્યે રોષ વ્યકત થતો રહે છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી મનોજ પટેલ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યનો પૂરવઠા વિભાગ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ આ E-KYC કામગીરીઓ સંબંધે કોઈ સંકલન કરતાં નથી. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ VCE ની વ્યવસ્થાઓ હોય છે જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ E-KYC ની કામગીરીઓ માટે શિક્ષકોએ હેરાન થવું પડે છે, જેની અસરો શિક્ષણકાર્ય પર પડે છે. હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓ આ E-KYC કામગીરીઓ માટે પરેશાન થઈ રહ્યા છે.
આથી સરકારે સંકલન ગોઠવી શહેરોમાં આ કામગીરીઓ વહીવટીતંત્રને સોંપવી જોઇએ એમ જણાવી આ રજૂઆતમાં ઉમેરવામાં આવ્યું છે કે, PDS + એપ્લિકેશન ડાઉનલોડ કરવા કે આ એપ્લિકેશન મારફતે ફરજિયાત રીતે શિક્ષકોને શિષ્યવૃતિ સંબંધે E-KYC અંગેની કામગીરીઓ ન સોંપવામાં આવે.(symbolic image)