Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના લાખાબાવળમાં ગૌચરની જમીનમાં જે ‘ખેલ’ પાડવામાં આવ્યો હતો, એ ખેલ હવે ખુલ્લો પડી ગયો છે અને આ કૌભાંડમાં 3 શખ્સોની ધરપકડ પણ થઈ ચૂકી છે. આ મામલો ઘણાં સમયથી ચકચારી રહ્યો છે.
આ પ્રકરણની જાહેર થયેલી વિગતો એવી છે કે, જામનગર નજીક આવેલાં તાલુકાના લાખાબાવળ ગામમાં ગૌચરની સરકારી જમીનમાં કૌભાંડી તત્ત્વોએ બિઝનેસ કરી લીધો હતો. આ તત્ત્વોએ આ સરકારી જમીનમાં દબાણ કર્યું, જમીનમાં પ્લોટીંગ કરી નાંખ્યુ અને આ પ્લોટ્સ બજારમાં ફૂંકી મારી રોકડી પણ કરી લીધી. આ રીતે કુલ 160 પ્લોટ બજારમાં વેચી નાંખવામાં આવ્યા. લેનારાઓ ભેરવાઈ ગયા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધ્રોલની સંસ્થા શ્રી માઈશ્રી રમાબાઈ આંબેડકર સોશિયલ એન્ડ વેલ્ફેરના પ્રમુખ દિનેશ ચરણદાસ પરમારે 18/05/2020ના દિને સરકારમાં એક અરજી કરી, આ જમીન પૈકી અમુક જમીન રહેણાંક હેતુ માટે મળવા માંગણી કરી હતી. બાદમાં 16/02/2021ના રોજ આ અરજદારે કહ્યું કે, અમો આ જમીન હવે ખરીદવા માંગતા નથી. આથી તંત્રએ 19/07/2021ના રોજ આ અરજદારની મૂળ અરજી દફતરે કરી દીધી.
ત્યારબાદ, આજથી આશરે બે મહિના અગાઉ લેન્ડગ્રેબિંગ સંબંધે કલેક્ટર કચેરીમાં એક ફરિયાદ અરજી થઈ. તે પછી આ મામલામાં પંચકોશી બી ડિવિઝન પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. આ 3 આરોપીઓના નામો હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવિણ હસમુખ ખરા અને દિનેશ ચરણદાસ પરમાર છે.