Mysamachar.in-અમદાવાદઃ
દેશની સૌથી મોટી સરકારી બેંકે પોતાના ATM સિસ્ટમમાં ફેરફાર કરી નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. આ નિયમ પ્રમાણે 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષથી બેંક ATMમાંથી પૈસા ઉપાડવા માટે ખાતા ધારકના મોબાઇલમાં પહેલા OTP મોકલશે આ OTP એન્ટર કર્યા બાદ જ પૈસા ઉપડશે. રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી રોકડ ઉપાડવા માટે બેંકમાં નોંધાયેલા મોબાઇલ પર OTP આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે. જો કે આ નિયમ 10 હજારથી વધારેની કેશ કાઢવા પર લાગૂ થશે. બૅંક તરફથી જે ઓટીપી મોકલવામાં આવશે તે ફક્ત એક જ ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે. એટલે કે બીજા ટ્રાન્ઝેક્શન માટે બીજો ઓટીપી આપવામાં આવશે. નવી સિસ્ટમથી કેશ કાઢવાની રીતમાં ઓટીપી દાખલ કરવા સિવાય અન્ય કોઈ જ ફેરફાર કરાયો નથી.
બેંક તરફથી ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. હાલમાં આ સિસ્ટમ ફક્ત એસબીઆઈના એટીએમમાં કામ કરશે. એટલે કે બીજી કોઈ બેંકના એટીએમમાં આ સિસ્ટમ કામ નહીં કરે. કારણ કે હાલ National Financial Switchમાં આ સુવિધા તૈયાર કરવામાં આવી નથી. એટલે કે એસબીઆઈ કાર્ડ ધારક જો બીજી કોઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડશે તો તેને આ નિયમ લાગૂ નહીં પડે, એટલે કે આ કેસમાં ગ્રાહકે ઓટીપી દાખલ નહીં કરવો પડે. ઉલ્લેખનીય છે કે ATM ફ્રોડના દિવસે ને દિવસ કેસો વધી રહ્યાં છે, એવામાં નવી સિસ્ટમથી ફ્રોટને અટકાવી શકાશે તેવું બેંકનું કહેવું છે.