Mysamachar.in-રાજકોટ:
ઓછો દારૂ પકડાઈ જાય અને તેનાથી અનેકગણો દારૂ પિવાઈ જાય- આવી એક લોકોક્તિ લોકોમાં છૂટથી બોલાતી રહે છે. આ જ બાબત વીજચોરીને પણ લાગુ પડે છે. કાયમ માટે ‘છાની’ રહેતી વીજચોરીનો આંકડો મોટો હોય અને ઝડપાઈ જતી વીજચોરીનો આંકડો નાનો જ હોય- એવું પ્રમાણિક વીજગ્રાહકો બળાપાના રૂપમાં કહેતાં હોય છે. રાજ્યમાં 2 વર્ષ દરમ્યાન રૂ. 1,029 કરોડની વીજચોરી ઝડપાઈ હોવાનું તંત્ર કહે છે.
વીજચોરી ઝડપાઈ જતી હોય એવા આંકડાઓ, વીજચોરી સંબંધે ગુનાઓ દાખલ થતાં હોય એવા આંકડાઓ અને વીજતંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ પર લોકો દ્વારા હુમલા થતાં હોય એવા આંકડાઓ- આ બધી જ બાબતોમાં સૌરાષ્ટ્ર નંબર વન રહ્યું છે.
ગુજરાતમાં સરકારની કુલ 4 વીજકંપની છે, જેમાંની PGVCL સૌરાષ્ટ્ર માટે છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમ્યાન કુલ રૂ. 484.65 કરોડની વીજચોરી ઝડપાઈ ગઈ. જેમાં PGVCLનો આંકડો રૂ. 254.25 કરોડ છે. નંબર વન. કુલ દોઢ લાખ કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ જે પૈકી 82,000 કનેક્શન PGVCLના છે.
વર્ષ 2024-25 માં કુલ રૂ. 545.48 કરોડની વીજચોરી ઝડપાઈ ગઈ જેમાં PGVCL નો આંકડો રૂ. 271 કરોડ છે. આ બે વર્ષ દરમ્યાન રાજ્યમાં કુલ દોઢ લાખથી વધુ વીજગુના વીજતંત્રના પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. જેમાં PGVCL નો આંકડો 54,000થી વધુ છે. આ ઉપરાંત વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાના બનાવો બે વર્ષ દરમ્યાન 61 બન્યા, જે પૈકી 52 બનાવ PGVCLના છે. PGVCLની મુખ્ય કામગીરીઓ વીજવિતરણ હોવાથી આ બધી બાબતોમાં PGVCL નો સિંહફાળો રહે છે.