Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર ચિંતન શિબિર કોન્સેપ્ટમાં શ્રધ્ધા ધરાવે છે. સરકાર શિબિરોમાં જે ચિંતન કરે છે તેનાથી સરેરાશ નાગરિકને શું લાભ થાય છે, એ જો કે અલગ મુદ્દો છે. આવી વધુ એક ચિંતન શિબિર આગામી દિવસોમાં સોમનાથ ખાતે યોજાવા જઈ રહી છે. આ શિબિરના દિવસો દરમિયાન મંત્રીઓ અને અધિકારીઓ ચિંતનમાં વ્યસ્ત રહેશે અને આ દિવસો દરમિયાન સચિવાલય અને જિલ્લાકક્ષાએ સરકારી કચેરીઓ ઉચ્ચ અધિકારીઓ વિના ખાલી રહેશે, જેથી લોકોના કામોમાં એટલો વધુ વિલંબ સર્જાશે.
આગામી 21 થી 23 નવેમ્બર દરમિયાન આ વખતે સોમનાથમાં સરકારની ચિંતન શિબિર યોજાશે. જેમાં બધાં જ મંત્રીઓ અને સરકારના સચિવાલયથી માંડીને જિલ્લાકક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેનો અર્થ એ થશે કે, આ શિબિર દિવસો દરમિયાન, શિબિરની તૈયારીઓના દિવસોમાં અને શિબિર બાદ મહાનુભાવો થાક ઉતારે, એ દિવસોમાં લાખો લોકોના કામો નધણિયાતા રઝળશે. કારણ કે, જિલ્લાકક્ષાએથી કલેક્ટરો આ શિબિરમાં જશે એટલે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ માટે રેઢાં રાજ.
બીજો મુદ્દો એ પણ છે કે, આટલાં વર્ષોથી સરકાર દ્વારા આવી ચિંતન શિબિરો યોજાઈ રહી છે, તેની ફલશ્રુતિ શું ? સરકારી વિભાગો આટલાં ચિંતન બાદ પણ કેવી રીતે કામ કરે છે, તેનો સૌને અનુભવ છે. આ શિબિરમાં સૌ યોગ પ્રાણાયામથી દિવસ શરૂ કરશે. પછી, તજજ્ઞો ભાષણો કરશે અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પ્રેઝન્ટેશન કરશે. ચા-કોફી બિસ્કિટ, લંચ અને ડીનર થશે. સરકારી કામો હવે પછી કેવી રીતે કરવા, તેની વાતો થશે. સરકારના આગામી વિઝનની ચર્ચાઓ થશે. સરકારની આ અગિયારમી ચિંતન શિબિર છે.
સરકાર કહે છે, આ 3 દિવસ સચિવાલયનો વહીવટ સોમનાથથી થશે. આ શિબિરમાં મંત્રીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બોર્ડ અને નિગમોના ચેરમેન તથા ડાયરેક્ટરો તેમજ 33 જિલ્લાઓના વડા અપેક્ષિત છે. જાણકારોના મતે આ કારણથી લોકોના કામો ઠપ્પ થઈ જશે. આ શિબિરમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બ્લોક ચેન ટેકનોલોજિ વિષયનો સમન્વય કરવામાં આવ્યો છે. ટકાઉ વિકાસની ચર્ચાઓ થશે. શિક્ષણના સુધારાઓ અને આરોગ્ય તથા પોષણની વાત થશે. વિવિધ સામાજિક પાસાઓ અને પ્રશ્નોની પણ ચર્ચાઓ થશે.