Mysamachar.in: જામનગર
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં GSTચોરી એક સંગઠિત અપરાધ (organized crime) તરીકે અને વ્યક્તિગત ગુના તરીકે પણ ધમધમી રહી છે. દેશના GST કલેકશનના આંકડાઓ ગાઈવગાડીને જાહેર કરવામાં આવે છે પરંતુ આ આંકડાઓનો કોઈ મતલબ નથી, કેમ કે GST ચોરી આ કલેકશનના આંકડાઓ કરતાં ઘણી મોટી હોવાનું આધારભૂત સૂત્ર જણાવે છે.

બીજી તરફ થોડાં થોડાં સમયે તંત્ર એવી જાહેરાત કરે છે કે, ફલાણી રીતે થતી કરચોરી ઝડપી લેવા હવે વિભાગ દ્વારા ફલાણા પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અથવા શરૂ કરવામાં આવશે. સૂત્રના કહેવા મુજબ, હકીકત એ હોય છે કે, તંત્રની મીઠી નજર અથવા સામેલગીરી વગર કરચોરી શક્ય હોતી જ નથી. જામનગર સહિત કયાંય પણ GST તંત્ર દોરડાનો સતત ધમધમાટ રાખતું હોય એવું કયારેય જોવા મળતું નથી. GST તંત્રની નજરે ચડતી નિષ્ક્રિયતા ઘણું સૂચવી જતી હોય છે.

હવે GST તંત્ર દ્વારા નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, એવી જાહેરાત કરવામાં આવી છે. તંત્ર કહે છે: કેટલાંક વેપારીઓ અને ઉદ્યોગકારો બિલ બનાવે છે પણ માલની સપ્લાય કરતાં નથી. વાસ્તવિક રીતે માલની સપ્લાય થતી ન હોય એવા કિસ્સાઓ ઝડપી લેવા તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. કરદાતાઓ દ્વારા બનાવવામાં આવતાં ઈ-વે બિલને હવે ફાસ્ટેગ સાથે જોડવામાં આવે છે. આ પધ્ધતિને કારણે ઈ-વે બિલ મુજબનો માલ ચોક્કસ સમયે ચોક્કસ રૂટ પર પસાર થઈ રહ્યો છે કે કેમ, તેની વિગતો મળી જશે.

આ ઉપરાંત ઈ-વે બિલને RFID સાથે પણ જોડી દેવામાં આવ્યું છે. જેથી ચેકપોસ્ટ પર વાહનને રોકી, તેમાં ક્યા પ્રકારનો અને કોનો માલ જઈ રહ્યો છે, તેની વિગતો તંત્રને મળી જશે. આ વિગતો અધિકારીઓ ઓફિસમાં બેઠાં ઓનલાઈન જોઈ શકશે. આ ઉપરાંત GST પાત્ર માલ જે વાહનમાં જતો હોય, તે વાહનની વિગતો અધિકારીઓની જાણમાં આવે તે માટે ઈ-વે બિલને ‘વાહન’ પોર્ટલ સાથે પણ જોડી દેવામાં આવ્યું છે.

આમ ઈ-વે બિલ બનાવ્યા બાદ જો કરદાતાઓ તે માલ હકીકતમાં નથી મોકલતાં, તો આ તમામ વિગતો અધિકારીઓને ઓનલાઈન મળી જશે અને આવા ઈ-વે બિલની ખરાઈ કરી, સંભવિત GSTચોરી પકડી શકાશે. જો કે જાણકારોનું માનવું એમ પણ છે કે, આ ઝુંબેશથી કેટલાંક કેસ થશે પણ એકંદરે ભ્રષ્ટાચાર અને અધિકારીરાજ વધશે.