Mysamachar.in: રાજકોટ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયા નામના, RMCના તત્કાલીન TPO ના પાપ છાપરે ચડી પોકારી ઉઠ્યા અને તેના જેલવાસ ઉપરાંત તેની આવક અને સંપત્તિઓ પણ ચર્ચાઓમાં આવી. હવે આ પ્રકરણમાં ગૃહવિભાગે સાગઠિયાની કરોડોની સંપત્તિઓ ટાંચમાં લેવા ACB ને મંજૂરી આપી દેતાં સાગઠિયા પર મોટો આર્થિક ફટકો ઝીંકાયો છે.
મનસુખ સાગઠિયા વિરુદ્ધ ઘણાં મહિનાઓ અગાઉ લાંચ રૂશવત વિરોધી શાખાએ અપ્રમાણસર આવકો અને મિલ્કતનો ગુનો દાખલ કર્યો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન પુષ્કળ વિગતો એકત્ર કરી, ત્યારબાદ ACB એ ગૃહવિભાગને જાણ કરી કે, આ ગુના અનુસંધાને સાગઠિયાની કુલ રૂ. 23.15 કરોડની મિલકતો ટાંચમાં લઈ શકાય એમ છે. ગૃહવિભાગે ACBની આ અરજીનો અભ્યાસ કરી, આ મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહીઓ આગળ ધપાવવા ACB ને મંજૂરી આપી દીધી છે. ACB ની હવે પછીની આ કાર્યવાહીઓ સાગઠિયાના આર્થિક સામ્રાજ્ય પર મોટો ફટકો સાબિત થશે.

સાગઠિયાની નોકરી દરમિયાનની કાયદેસરની આવક રૂ. 3.86 કરોડની હતી. જો કે નોકરીના આ સમયગાળા દરમિયાન તેણે પોતાના અને પરિવારજનોના નામે રૂ. 28.17 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો વસાવી લીધી હતી. આથી સાબિત થયું કે, પોતાની દેખીતી આવક કરતાં તેણે વધુ રૂ. 24.31 કરોડની સંપત્તિઓ વસાવી. દેખીતી આવકની સરખામણીએ આ સંપત્તિઓ 628 ટકા વધુ છે. આ 24.31 કરોડની સંપત્તિઓ પૈકી રૂ. 23.15 કરોડની સાગઠિયાની સંપત્તિઓ ટાંચમાં લેવા ગૃહવિભાગે એસીબીને મંજૂરી આપી છે. ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની આર્થિક મુશ્કેલીઓ હવે શરૂ થશે.