Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં રેતીને બેફામ ખનીજ ચોરી મામલે અને ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગ વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. ત્યારે રેતીની લીઝ આપવામાં આવે તો સરકારને આવક થાય પરંતુ તંત્રને તેમાં પણ રસ ના હોય એવું લાગી રહ્યું છે, કેમકે કાલાવડના એક અરજદાર આઠ વર્ષ પહેલા રેતીની લીઝ માટે અરજી કરેલ હોવા છતાં તેની અરજીનો કોઈ નિકાલ તો નથી થતો, પરંતુ કચેરીઓના ધક્કા ચોક્કસ થાય છે અને તેનાથી ખુદ અરજદાર પણ કંટાળી ચૂક્યા છે,
રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ અને પારદર્શક વહીવટ ના મસમોટા દાવાઑ કરવામાં આવી રહ્યા છે. તેવામાં કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામના રમણીકભાઈ ઝિંઝુવાડીયાની રેતીની લીઝ આપવા કરેલ અરજી છેલ્લા આઠ વર્ષથી એવી તો ટલ્લે ચડી છે કે રાજ્યપાલ નો હુકમ હોવા છતાં જામનગરનું સરકારી તંત્ર ગાઠતુ નથી,
વાત જાણે એમ છે કે કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે આવેલ નદીમાં સાદી રેતીની લીઝ માટે રમણીકભાઈ વર્ષ ૨૦૧૧ ના રોજ ખાણખનીજ વિભાગ જામનગરમાં અરજી કરી હતી. પરંતુ ૫ વર્ષ સુધી વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા રમણીકભાઈએ કંટાળીને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની વડી કચેરીમાં રીવીઝન અરજી કરી હતી,
જેમાં કલેક્ટરનો હુકમ રદ કરીને ગાંધીનગર ખાણખનીજના રીવીઝન અધિકારી દ્વારા ગત ૬ માર્ચ ૨૦૧૬ના રોજ હુકમ કરાયો કે અરજદારને ન્યાય આપી ૪૫ દિવસમાં આ રેતીની અરજીનો નિર્ણય કરવા જણાવવામાં આવ્યું હતું, જેને પણ આજે ત્રણ વર્ષ જેવો સમય થવા છતાં જામનગરનું સરકારી તંત્ર કોઈ નિર્ણય ન લેતા હોવાનો અરજદાર રમણીકભાઈ આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આજે પણ જડ સરકારી તંત્રના કારણે નાગરીક કેટલા પરેશાન છે તેનો વધુ એક વખત નમૂનો સામે આવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.