Mysamachar.in-ગાંધીનગર:
દરિયાના ખારા પાણીને ડીસેલિનેશન દ્વારા મીઠું પાણી બનાવવાનું અને પછી, પાણીની અછત ધરાવતાં વિસ્તારોમાં આ મીઠાં પાણીનો ઉપયોગ કરવો- આ નીતિ અનુસાર રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચ ધરાવતા મોટા મોટા પ્રોજેકટ જાહેર તો થાય છે પણ પછી વર્ષો સુધી આ પ્રકારના પ્રોજેકટ કાગળ પર દોડતાં રહે છે અને અમુક પ્રોજેકટ પાછળ તો નાણાંનો ખર્ચ પણ કરવામાં આવતો ન હોય, કામગીરીઓ આગળ વધવા પામતી નથી. રાજ્યની વિધાનસભામાં આ બાબત સામે આવી.
આ પ્રકારના 2 પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષો અગાઉ જાહેર થયેલાં. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી નજીકના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં પૂછેલાં એક પ્રશ્નના ઉત્તરમાં સરકારે કહ્યું: આ પ્લાન્ટની ક્ષમતા 70 MLD છે, કિંમત રૂ. 280 કરોડ અને પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીઓ કચ્છની કંપનીને સોંપવામાં આવી છે. કચ્છનો પ્રોજેકટ પણ આ જ કંપનીને અપાયો છે.

કચ્છમાં માંડવી તાલુકાના ગુંદીયાળી નજીક આ પ્રોજેકટનું સ્થળ આવેલું છે. તેની ક્ષમતા 100 MLD છે. કચ્છ ધારાસભ્યના પ્રશ્નના ઉત્તરમાં વિધાનસભામાં કહેવાયું કે, છેલ્લા 2 વર્ષ દરમિયાન રૂ. 300 કરોડના આ પ્રોજેક્ટમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર-કચ્છના આ બંને પ્રોજેક્ટની કામગીરીઓ મુંબઈની શાપુરજી પાલનજી એન્ડ કંપની તથા એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાઇવેટ લિમિટેડની સંયુકત કંપની કચ્છ સી-વોટર ડી-સેલિનેશન પ્રા.લિ.ને આપવામાં આવી છે.