Mysamachar.in-રાજકોટ:
જ્યારે પણ કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો કે સરકારના કોઈ વિભાગનો કોઈ પણ અધિકારી રેકર્ડ પર ભ્રષ્ટ સાબિત થઈ જાય છે ત્યારે લોકો ખુશ થતાં હોય છે કે, હવે ઘણાંની કુંડળીઓ વિખેરાઈ જશે, પરંતુ હકીકતમાં આવું કયારેય બનતું નથી તેથી લોકોમાં નિરાશા ફરી વળે છે અને દર વખતે ભ્રષ્ટ અધિકારીઓના ‘માઈબાપ’ બચી જતાં હોય છે. સા-ગઠિયાકાંડમાં પણ આમ જ થશે. અન્ય બધાં જ’ગઠિયાઓ’ બચી જશે, અને આ ગઠિયાઓ જ પોતાની ચામડી બચાવવા સા-ગઠિયાકાંડને નબળો પાડી દેશે. અંતે, બધાં બધું ભૂલી જશે અને અન્ય ગઠિયાઓની મોજને આંચ પણ નહીં આવે, લખી રાખો.
કોઈ પણ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે સરકારનો કોઈ પણ વિભાગ હોય- કોઈ પણ ભ્રષ્ટ અધિકારી એકલો ખાય ન શકે. એકલો ખાવાની હિંમત પણ ન કરી શકે. કેમ કે તેની ઉપર ડાઘિયા નેતાઓ બેઠાં હોય છે. સૌના પડિયામાં પ્રસાદ મૂકવો જ પડે. અને, કોઈ પણ શહેરમાં જે કોઈ દાગી બિઝનેસમેન હોય તેણે, ભ્રષ્ટ અધિકારીઓને જે લાંચ આપવી પડતી હોય છે, એ આખી વ્યવસ્થાઓ પણ સારી રીતે ગોઠવાયેલી હોય છે. લાંચ લેનારની માફક લાંચ આપનાર પણ ગુનેગાર છે, એવી વાતો કાયદાના થોથાંમાં લખેલી હોય છે પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓને લાંચ આપતાં તત્વોને ભારતમાં કોઈ ફાંસીના માંચડે ચડાવી દેતું નથી, એવી માનસિકતા સાથે લાંચ આપનારા તત્વો કાયમ ખોટાં કામ કરતાં હોવા છતાં સલામત રહી શકે છે, આ કારણથી ભ્રષ્ટાચાર વિરુદ્ધનો જંગ, ઝીરો ટોલરન્સની નીતિ છતાં, સરકાર જિતી શકતી નથી અને નવા નવા સા-ગઠિયાઓ પેદાં થતાં રહે છે.
અત્યંત આધારભૂત સૂત્ર એમ પણ જણાવે છે કે, નેતાઓ તંત્રની અંદર ચોક્કસ અધિકારીને પોતાનો માણસ બનાવી લ્યે છે, આ માણસ મારફત પોતાના અને પોતાના સાગરિતોના ખોટાં કામો કરાવતાં રહે છે. આ માણસને અભયદાન સાથે જીવતો રાખવો કે છેલ્લે તેને હોળીનું નાળિયેર બનાવી દેવો, એ નિર્ણય પણ નેતાઓ જ કરતાં હોય છે. આ નેતાઓમાં પક્ષાપક્ષી નથી હોતી, સૌનો સાથ સૌનો વિકાસ. ઘણી વખત આવા કિસ્સાઓમાં આ ‘માણસ’ ઉર્ફે ભ્રષ્ટ અધિકારીનું ભાવિ શું નક્કી કરવું ? તેનું માર્ગદર્શન છેક ગાંધીનગર અને/અથવા દિલ્હીથી પણ મેળવવામાં આવતું હોય છે, એમ પણ સૂત્ર જણાવે છે. ટૂંકમાં, આ પ્રકારના કિસ્સાઓમાં પણ નાની માછલીઓને મોટી માછલીઓ ખાય જતી હોય છે. ભ્રષ્ટ અધિકારીને છીંડે ચડેલો ચોર સાબિત કરી અન્ય બધાં ગઠિયાઓ કાયદાના છીંડામાંથી, છટકબારીઓમાંથી હેમખેમ બહાર નીકળી જતાં હોય છે.
લોકો મજાકમાં ત્યાં સુધી કહે છે કે, આવા ભ્રષ્ટ અધિકારીઓ એકલાં જ પકડાઈ જાય ત્યારે ખરેખર તો આ અધિકારીઓએ અદાલતમાં એમ કહી દેવું જોઈએ કે, હું એકલો નહીં, બધાં ચોર છે. જો કે, આમ બનતું નથી, બેઈમાનીના આ ધંધામાં આવા ભ્રષ્ટ અધિકારીઓ ‘ખાનદાન’ રહી, પોતાના વિરુદ્ધના કેસને અન્ય ગઠિયાઓની મદદથી નબળો પાડી લેવાની ગેમ રમી લેતાં હોય છે અને જાહેર ન થઈ હોય, એવી કાળી કમાણીના નાણાંથી બાકીની જિંદગી એશોઆરામથી જીવતાં હોય છે. અને, સરવાળે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની મોટાભાગની કાર્યવાહીઓ ‘એન્ડ’ સુધી નથી પહોંચતી, છેલ્લો ખેલ ACBમાં પડી જતો હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. રાજ્યમાં ગમે તેટલાં કાંડ થાય, સાથોસાથ સા-ગઠિયાકાંડ પણ થતાં રહેશે, ગુજરાતમાં સૌ સલામત છે, એવો એક મત રાજ્યના કરોડો નાગરિકો ધરાવે છે.(symbolice image source by google)