Mysamachar.in-રાજકોટ:
રાજકોટના અતિ સંવેદનશીલ અને ચકચારી પ્રકરણ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં રાજકોટ મહાનગરપાલિકાનો પૂર્વ TPO મનસુખ સાગઠિયા ચર્ચાઓમાં આવ્યો. આ શખ્સની રૂ. 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી ACBને રાજ્યના ગૃહવિભાગે આપી દીધી છે. બીજી તરફ હવે આ લાંચકાંડની તપાસમાં ED પણ ઝંપલાવશે. જેનો એક અર્થ એ પણ થઈ શકે કે, સાગઠિયાનું ઓપરેશન હવે દિલ્હીથી થશે, ગાંધીનગરનો રોલ પૂરો થયો.
ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો એ અગાઉ મનસુખ સાગઠિયા આ TRP ગેમઝોનના સંચાલકો પાસેથી પણ લાંચ લઈ ચૂક્યો છે. આ ઉપરાંત પણ સાગઠિયાએ અનેક કાંડ કરેલાં છે, જેના પડઘા આજની તારીખે સમગ્ર રાજ્યમાં ગાજી રહ્યા છે. દરમિયાન, આ લાંચકાંડની તપાસ ED પણ કરી શકે છે, એવી મંજૂરી અદાલતે ED ને આપી દેતાં હવે આ શખ્સના પરાક્રમો રાજ્ય ઉપરાંત નેશનલ લેવલે પણ ચમકશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મનસુખ સાગઠિયાએ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી. જેમાં ખોટી સહીઓ પણ કરવામાં આવેલી. આ પ્રકારનો પણ એક ગુનો તેના વિરૂદ્ધ દાખલ થયેલો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ આજે જેલમાં રહેલાં મનસુખ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની છે, બરાબર એ જ સમયે EDની પણ આ પ્રકરણમાં એન્ટ્રી થઈ.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, મનસુખ સાગઠિયાએ અનેક મામલાઓમાં લાંચ લીધાનું રેકર્ડ પર આવી ગયું હોય, આગામી દિવસોમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગયા બાદ રાજકોટના ઘણાં પ્રકરણ ગાજશે. મનસુખની અદાલતમાં ઉલટતપાસ થશે ત્યારે, નવા ફણગા પણ ફૂટી શકે છે અને બીજી તરફ EDની તોપ કોના તરફ નાળચું ગોઠવશે, એ પણ આગામી સમયમાં જાહેર થશે. આમ આ આખા મામલામાં ગેમઝોન અગ્નિકાંડનો ‘તાપ’ સમગ્ર રાજકોટને આજની તારીખે હીટ આપી રહ્યો છે, ઘણાં દાઝી પણ ચૂક્યા છે. આજે સ્થિતિઓ એ છે કે, એક સમયે મોભાદાર લેખાતી રાજકોટ મહાનગરપાલિકાની નોકરી કરવા આજે કોઈ રાજી નથી.