Mysamachar.in-રાજકોટ;
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની જવાળાઓ આજે પણ ઘણાં આરોપીઓને દઝાડી રહી છે. આ કેસના એક વિવાદાસ્પદ આરોપી મનસુખ સાગઠિયાની જામીન મુક્તિ માટેની અરજી અદાલતે ફગાવી દેતાં, આરોપીનો જેલવાસ લંબાયો છે. અને, આ મામલામાં આરોપી તરફે થયેલી દલીલ રેકર્ડ પર આવી છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાળકો અને મહિલાઓ સહિત 27 લોકોને ભરખી ગયો છે. આ કાંડની તપાસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાનો કેસ, રાજ્યભરમાં ચર્ચાસ્પદ છે, કેમ કે તેની ‘મોટી’ સંપત્તિઓ ચર્ચાઓમાં છે. સાગઠિયાએ પોતાના વકીલ વી.એચ.કનારા મારફતે અદાલતમાં જામીન મુક્ત થવા અરજી કરેલી.
આ અરજીની દલીલો દરમિયાન આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે, ‘અગ્નિકાંડમાં આરોપી સાગઠિયા નહીં પણ મ્યુ. કમિશનર જ જવાબદાર છે, આમ છતાં તેની પર કોઈ ગુનો કે કાર્યવાહીઓ થઈ નથી. ‘ સામા પક્ષે સરકારી વકીલ તુષાર ગોકાણીએ દલીલ કરી કે, ‘2008થી ટીપીઓને સતાઓ આપવામાં આવી હતી. અને, આ ગેમઝોનનો ડિમોલીશન ઓર્ડર પણ તેણે જ કાઢ્યો હતો. પરંતુ ડિમોલીશન ન થયું, તેમ છતાં તેણે (સાગઠિયાએ) કોઈ તસ્દી લીધી ન હતી.
આ મામલામાં આરોપી સાગઠિયા વિરુદ્ધ મજબૂત દલીલો થઈ હતી. આ અગ્નિકાંડનો ભોગ બનેલો એક યુવાન તેના માબાપનો એક નો એક પુત્ર હતો, તેના પિતાએ પણ સાગઠિયાની જામીન અરજીનો અસરકારક રીતે વિરોધ કર્યો હતો. પીડિતોના વકીલે લાંબી દલીલો કરી હતી. દલીલો મોડી સાંજ સુધી ચાલી હતી. અંતે, સેશન્સ કોર્ટે સાગઠિયાની જામીન અરજી રદ્દ કરી. આરોપીના વકીલે પણ લાંબી દલીલો કરી હતી. જો કે, આમ છતાં સાગઠિયાનો જેલવાસ લંબાયો.