Mysamachar.in-અમદાવાદ:
ગત્ રવિવારે મોરબીમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાનાં પડઘાઓ રાજ્યભરમાં લાંબા સમય સુધી ગાજતા રહેશે, એવું સમજાઈ રહ્યું છે. કોન્ગ્રેસ દ્વારા આ હોનારત સંદર્ભે સેફટી ઓડિટ અને નવી તપાસ સમિતિની રચનાનાં મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ ગુજરાત હાઇકોર્ટને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં એક વર્ષ દરમિયાન જે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હોય, એ તમામ પ્રોજેક્ટ્સનું સેફ્ટી ઓડિટ અને ફાઈનાન્સિયલ ઓડિટ કરાવવામાં આવે. તેઓએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, મોરબી હોનારતની તપાસ માટે રચાયેલી સરકારી સમિતિને વિખેરી નાખવામાં આવે, નિવૃત્ત ન્યાયમૂર્તિનાં અધ્યક્ષસ્થાને નવી તપાસ સમિતિ રચવામાં આવે તથા આ સમગ્ર મામલાને હાઈકોર્ટમાં સુઓમોટો તરીકે હાથ ધરવામાં આવે.
ઓલ ઇન્ડિયા કોન્ગ્રેસ કમિટીના પ્રવક્તા આલોક શર્માએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં અંધેર કામગીરી ચાલી રહી છે. હોનારતમાં ગંભીર રીતે ઘવાયેલાં બે યુવાનોને હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃતકોની સાથે ગોઠવી દીધાં હતાં ! આ બંને યુવાનો ઝડપથી સ્વસ્થ થાય એવી અમારી પ્રાર્થના છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હોનારતમાં ભોગ બનેલા એક પણ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ ન કરવાનો નિર્ણય દુઃખદ છે. મૃતકોના વિસેરા સેમ્પલ પણ લેવામાં આવ્યા નથી.
શર્માએ જણાવ્યું હતું કે, મોરબી હોનારતની તપાસ માટે રચાયેલી સમિતિમાં માત્ર સરકારી અમલદારો છે. તપાસ પૂર્વગ્રહમુકત થાય તે માટે સરકારે સુપ્રિમ કોર્ટ અથવા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિનાં અધ્યક્ષસ્થાને નવી તપાસ સમિતિ રચવી આવશ્યક લેખાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી હોનારતમાં ઘવાયેલા કેટલાં લોકો મોરબીમાં તથા અન્ય કેટલાં ઈજાગ્રસ્તો કયા કયા શહેરમાં હાલ સારવાર હેઠળ છે ? અને ઘવાયેલા પૈકી કેટલાં લોકોની સ્થિતિ ગંભીર છે ?! એ પ્રકારની કોઈ જ વિગતો છેલ્લાં ચાર દિવસથી જાહેર કરવામાં આવી નથી !! આ મુદ્દો પણ ગંભીર છે.