Mysamachar.in-જામનગર:
જામનગર-બાલાચડી રોડ પર આવેલ સચાણા બંદર ખૂબ જ મહત્વપૂર્ણ બંદર છે. જેને શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ફૂલ ફલેજમાં વિકસાવવામાં આવે તો, વીસેક હજાર જેટલાં લોકોને રોજગાર પ્રાપ્ત થઈ શકે અને સમગ્ર પંથક સહિત જિલ્લાના અર્થતંત્રની વાઈબ્રન્સીને ચાર ચાંદ લાગી શકે, પરંતુ અફસોસની વાત એ છે કે, આટલાં વર્ષોમાં આ બંદરને ધમધમતું કરી શકવામાં સ્થાનિકથી માંડીને છેક ગાંધીનગર કોઈને સફળતા સાંપડી નથી !! તાજેતરમાં આ યાર્ડ ફરીથી શરૂ થયાની વાત છે પરંતુ તે અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત હજુ સુધી થવા પામી નથી, તેથી સર્વત્ર અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે.
આ શિપ બ્રેકિંગ યાર્ડ જેમ બને તેમ ઝડપથી ધમધમે તે સૌના હિતમાં છે અને તેથી સૌ આમ ઈચ્છી પણ રહ્યા છે પરંતુ આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત શા માટે નથી થતી.?! એવી ચર્ચાઓ બધે જ સાંભળવા મળી રહી છે. એમ પણ કહેવાય છે કે, આ યાર્ડ ફરી શરૂ થઈ ગયું છે અને એક નાનું શિપ ભાંગવા માટે અહીં આવી પણ ગયું છે, તો પછી આ મુદ્દે સત્તાવાળાઓ કેમ કાંઈ બોલતાં નથી.?! સરકાર આ બંદર ફરીથી ધમધમતું કરવા કોઈ પ્રોત્સાહન આપશે કે કેમ.?! વગેરે બાબતો અંગે જાણકારીઓ બહાર આવી રહી નથી.
Mysamachar.in દ્વારા આ મામલે આજે સવારે, જામનગરના પોર્ટ ઓફિસર અરવિંદ મિશ્રાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓ જણાવે છે કે- આ મામલે તેઓ કોઈ પણ પ્રકારની કોમેન્ટ્સ કરી શકે નહીં, કેમ કે સમગ્ર ઓપરેશન સચિવાલય કક્ષાએ થતું હોય છે, સ્થાનિક સ્તરે હજુ સુધી કોઈ જ જાહેરાત થઈ નથી.
આ મામલે Mysamachar.in દ્વારા ગાંધીનગર રાજ્યના પોર્ટ પર્યાવરણ વિભાગના સેલ હેડ અતુલ શર્માનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓએ કહ્યું કે- આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને જરૂર પણ નથી, કેમ કે- અગાઉ પણ આ શિપ બ્રેકિંગ યાર્ડમાં કામકાજ થતાં જ હતાં, કોઈ નવી સૂચનાઓ સરકાર તરફથી જાહેર કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સચાણા સંબંધે વર્ષોથી એક કાનૂની વિવાદ પણ ચાલતો હતો. કહેવાય છે કે, આ વિવાદ સૂલટાવી લેવામાં આવ્યો છે. અને એ પણ ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર કક્ષાએથી કોઈ જ મંત્રાલય દ્વારા હાલમાં આ મુદ્દે કોઈ જ જાણકારીઓ બહાર આવી નથી.