Mysamachar.in:જામનગર
સામાન્ય રીતે, દુર્ઘટનાઓ સૌ સંબંધિતો માટે એક સબક, એક બોધપાઠ હોય છે પરંતુ કરૂણ અને કમનસીબ બાબત એ છે કે, દુર્ઘટનાઓ પછી પણ કોઈ સુધરતું નથી ! જેથી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે અને નાનાં, નિર્દોષ તથા મજબૂર લોકોનો અકાળ મોતની વેદી પર બલિ ચડતો રહે છે. જામનગરની હાઉસિંગ બોર્ડની વસાહતમાં તૂટી પડેલી ઈમારત પણ આ પ્રકારનું ઉદાહરણ છે ! એથી વિશેષ કશું નહીં ! છતાં અપેક્ષિત મુદ્દો એ છે કે, નીતિ નિર્માણ કરનારાઓ, જનપ્રતિનિધિઓ અને તંત્રો હવે તો જાગે.
જામનગરમાં હાઉસિંગ વસાહતમાં કાલે શુક્રવારે એક ઈમારત તૂટી પડી. જે શોકની બાબત જરૂર છે પરંતુ અચરજનો મુદ્દો નથી ! કારણ કે, આ ઈમારત વર્ષોથી જર્જરિત હતી જ. અને શહેરમાં આવી કેટલીયે ઈમારતો જર્જરિત છે ! જે ગમે ત્યારે જમીન પર કાટમાળના ઢગલામાં ફેરવાઈ શકે છે અને શહેરમાં મોટી દુર્ઘટના ગમે ત્યારે, હજુ પણ, સર્જાઈ શકે છે ! જો સંબંધિતો વેળાસર નહીં જાગે તો.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આ પ્રકારની અસંખ્ય ઈમારતો જર્જરિત છે. ભૂતકાળમાં શહેરમાં હાઉસિંગ બોર્ડની કચેરી હતી (હાલ આ કચેરી રાજકોટ છે) ત્યારે આ વસાહતોના રહેવાસીઓએ મકાનોની જર્જરિત સ્થિતિ અંગે હાઉસિંગ બોર્ડના સતાવાળાઓનું ધ્યાન દોરવા રેલી યોજી આવેદનપત્ર પણ આપ્યું હતું. પરંતુ સતાવાળાઓ એ પછી પણ વર્ષો સુધી ઘોરતાં રહ્યા, આજે પણ સૂતાં જ છે ! હવે દેખાડો કરવા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ રાજકોટથી જામનગરની મુલાકાતે આવ્યા છે. જોઈએ હવે આગળ શું થાય છે ?! એમ કહેવામાં આવે છે કે – આ પ્રકારની જર્જરિત હાલતમાં રહેલી ઇમારતોના રહેવાસીઓને કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનોનાં સમારકામ અંગે નોટિસ આપવામાં આવે જ છે. નોટિસ અપાઈ જાય એટલે, જંગ જિતી જવાય છે ?! આ પ્રશ્નનો જવાબ રહેવાસીઓએ સતાવાળાઓ પાસેથી મેળવવો જોઈએ.
આર્થિક સ્થિતિ સારી નથી હોતી તેઓ હાઉસિંગ બોર્ડના અને આવાસોનાં મકાનોમાં રહેવા જતાં હોય છે. તેઓ માટે હપ્તા ભરવા એ પણ ઉપાધિ હોય છે. આ પ્રકારના રહેવાસીઓ મકાન રિપેર કેવી રીતે કરાવી શકે ?! એ મુદ્દો મહત્વનો છે. હાઉસિંગ બોર્ડ તથા કોર્પોરેશને સંયુક્ત રીતે, સરકારનાં માર્ગદર્શનથી એવી યોજના ઘડી કાઢવી જોઈએ કે, આ પ્રકારના જર્જરિત બાંધકામો નિયમિત સમયે સમારકામ પામતાં રહે. સરકારે રિડેવલપમેન્ટ પોલિસી બનાવી જ છે. જેનો ઉપયોગ ‘કમાણી’ માટે થઇ રહ્યો છે. આ પોલિસીનો ઉપયોગ લોકોનો જિવ બચાવવા થવો જોઈએ. તો સરકારે આવી દુર્ઘટનાઓ થાય ત્યારે આત્મીય સંવેદનાઓ વ્યક્ત ન કરવી પડે અને સહાયો જાહેર કરવાનો પણ વખત ન આવે.
હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સરકારનાં પગારોથી માત્ર આનંદ કરે છે. જામનગર સહિત રાજ્યભરમાં ક્યાંય, હાઉસિંગ વસાહતોની ચિંતા કરતાં નથી, જાળવણી કરતાં નથી, ઈવન દબાણો પણ અટકાવતાં નથી તથા આવી વસાહતોમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ પણ અટકાવતું નથી. આ એ જ હાઉસિંગ બોર્ડ છે જે બિલ્ડરોને કમાવી આપવા હાઉસિંગ બોર્ડની લગડી જેવી જમીનોના, સરકારની મંજૂરી સાથે, સોદા કરે છે અને વચ્ચેથી ‘કટકી’ જમી જાય છે ! જામનગરમાં પણ હાઉસિંગ બોર્ડે આવી એક લગડી જમીન ફૂંકી મારી છે ! (રણજીતનગર, હીરજી મિસ્ત્રી રોડનાં ખુણા પર).
જામનગર સહિતના તમામ કોર્પોરેશન આ પ્રકારની વસાહતોના રહેવાસીઓ પાસેથી તમામ પ્રકારના વેરાઓ વસૂલે છે, વસાહતોમાં થતાં દબાણો અને ગેરકાયદે બાંધકામો પ્રત્યે મૌન રહે છે. આમ છતાં ક્યારેય હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે બેસી, હજારો રહેવાસીઓના ભલા માટે કયારેય, કશું વિચારતાં નથી. હા, મલાઈદાર કામોમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે રહે છે !
જામનગર સહિત રાજ્યભરમાં હાઉસિંગ બોર્ડની આ પ્રકારની જર્જરિત વસાહતોનો મામલો વર્ષોથી ગંભીર હોવા છતાં જનપ્રતિનિધિઓ આ મુદ્દે ક્યારેય ચિંતિત બન્યા નથી ! અથવા, સરકારને આ દિશામાં આગળ વધવા મજબૂર કરી શક્યા નથી ! એ પણ મતદાતાઓની કમનસીબી છે. અને, આ ચિંતા માત્ર હાઉસિંગ બોર્ડની વસાહતો પૂરતી જ મર્યાદિત નથી ! દાખલા તરીકે, જામનગર કોર્પોરેશન હસ્તકની સૌ પ્રથમ આવાસ યોજના 1404 વિષે વિચારો ! અહીં ધારો કે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ, તો ?! મોતનો આંકડો કેવડો રાક્ષસી બની શકે ?! કોર્પોરેશન અથવા શાસકો પાસે, આ સમસ્યાનો તોડ છે ?! નથી !! અને, બધાં જ આવાસો સમયનાં વહેવા સાથે, જર્જરિત થવાનાં જ છે ! આપણે કેટલાં મૃતકો પ્રત્યે આત્મીય સંવેદનાઓ વ્યક્ત કરતાં રહીશું ?! કેટલાં લોકોને સહાયો ચૂકવતાં રહીશું ?! જિંદગીઓ બચાવવાનો અભિગમ સરકાર અને તંત્રો કયારે કેળવશે ?! જામનગરમાં હજારો નગરજનો આ વિચારમાત્રથી થથરી ઉઠ્યા છે અને જવાબદારો સૌને, આ પ્રશ્ન પૂછી રહ્યા છે !!