Mysamachar.in-ગુજરાત:
ગુજરાત ઘણી બધી બાબતોમાં મોડેલ સ્ટેટ હોવાનું કહેવામાં આવે છે અને સમૃધ્ધ પણ છે. પરંતુ સાથેસાથે હકીકત એ પણ છે કે, ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજૂરોને ખૂબ જ ઓછું મહેનતાણું મળી રહ્યું છે. ખુદ રિઝર્વ બેન્ક દ્વારા આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
દેશના આંકડાઓ અનુસાર, દેશમાં સરેરાશ ગ્રામ્ય ખેતમજૂરને દરરોજ મહેનતાણાં તરીકે રૂ. 345.70 પૈસા રાષ્ટ્રીય સરેરાશ તરીકે મળે છે. ગુજરાતમાં ખેતમજૂરનું રોજ માત્ર રૂ. 241.90 પૈસા છે. અને મધ્ય પ્રદેશમાં તો ખેતમજૂરોને માત્ર રૂ. 229.20 પૈસા મળે છે. વેતનના આ આંકડાઓ પુરુષ મજૂરના છે, મહિલાઓને તો આથી પણ ઓછું વેતન મળે છે.
મહિનામાં 25 દિવસ કામ કરતાં ખેતમજૂરને ગુજરાતમાં માંડ માંડ રૂ. 6,000 મળે છે. મધ્યપ્રદેશમાં આ માસિક વેતન રૂ. 5,500-5,700 આસપાસ રહે છે. કેરળમાં ખેતમજૂરનું માસિક વેતન રૂ. 19,000 આસપાસ છે. જે દેશભરમાં સૌથી વધુ છે. માત્ર ખાધાખોરાકીનો હિસાબ કરીએ તો ચાર-પાંચ સભ્યના એક પરિવારનો માસિક ખર્ચ રૂ. 8,500 જેટલો હોય છે એવો એક અંદાજ છે. ગુજરાતમાં ખેતમજૂરોને આટલાં નાણાં પણ નથી મળતાં.
ખેતીવાડી સિવાયના અન્ય મજૂરોની સ્થિતિ પણ મધ્ય પ્રદેશ તથા ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં સારી નથી. વેતન ઓછાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો વર્ષના અમુક મહિનાઓ કામ પણ બંધ હોય છે, આથી ગ્રામ્ય શ્રમિકોની સ્થિતિ ખૂબ ખરાબ છે.