Mysamachar.in:રાજકોટ:
ગુજરાતમાં આ લોકસભા ચૂંટણીઓમાં પ્રચારનો માહોલ અલગ છે. ફોગ ચલતા હૈ ની જાહેરાતની માફક આખા ગુજરાતમાં કયાંય, અને મીડિયામાં પણ શાસકપક્ષ અથવા વિપક્ષનો પ્રચાર કયાંય ચાલતો નથી, સિર્ફ રૂપાલા ચલતા હૈ નો માહોલ છે. આ લેટેસ્ટ સ્ટ્રેટેજી છે ? એ પ્રશ્ન પણ ચર્ચાઓમાં છે. રૂપાલા વિવાદને અસાધારણ કવરેજ મળી રહ્યું હોય, અન્ય સારાં નરસા તમામ મુદ્દાઓ ગોડાઉન એટલે કે વખારમાં પડ્યા છે.
દરમિયાન, રૂપાલાએ દિલ્હીની અને ગાંધીનગરની મુલાકાત પણ પતાવી લીધી. દિલ્હી તેઓ કેન્દ્રીય પ્રધાન હોવાને કારણે ગયા હતાં એવું જાહેર કરવામાં આવ્યું. અને, ગાંધીનગરમાં તેઓએ પક્ષના સંગઠન મહામંત્રી સાથે માત્ર ચા પીધી. એમ જાહેર કરવામાં આવ્યું. દિલ્હી અને ગાંધીનગરની તેઓની મુલાકાત દરમિયાન શું શું બન્યું ? તે બહાર આવ્યું નથી પરંતુ ગાંધીનગરથી પોતાના લોકસભા મતવિસ્તારમાં રાજકોટ આવી રૂપાલાએ ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો તેનો અર્થ રાજકીય પંડિતોના મતે, ભારે અને ઉગ્ર વિરોધ તથા વિવાદ છતાં રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, એવો સંકેત દિલ્હી ભાજપાએ સૌ સંબંધિતોને આપી દીધો છે. તેની સાથેસાથે એવો પણ પ્રચાર થઈ રહ્યો છે કે, શાસકપક્ષ પાટીદારોને નારાજ કરવા ઈચ્છતો નથી, ખાસ કરીને અત્યારે ચૂંટણીઓ ટાણે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું હતું તે મોકૂફ રહ્યું છે અને રૂપાલાના સમર્થનમાં પાટીદાર બેઠક યોજાવાની હતી તે પણ હાલ મુલત્વી રાખવામાં આવી છે. એક અદભૂત અને તદ્દન નવી જ ફોર્મ્યુલા દિલ્હીથી અમલમાં આવી છે.
દરમિયાન, ગાંધીનગરમાં રૂપાલાએ પક્ષના સંગઠન મહામંત્રીની મુલાકાત કરી ત્યારબાદ એવા અહેવાલ આવી રહ્યા છે કે, રૂપાલાને ચૂંટણીપ્રચાર ચાલુ રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને, બેત્રણ દિવસથી ગુજરાત તથા દિલ્હી ભાજપા રૂપાલા વિવાદ અંગે મૌન છે. એ દરમિયાન, ક્ષત્રિયો હવે આરપારની લડાઈ માટે અધીરા થઈ રહ્યા છે, તેઓ જંગનું પરિણામ ઈચ્છે છે પણ એમ માનવામાં આવે છે કે, રૂપાલા રાજકોટ સંસદીય મત વિસ્તારના બીજેપીના ઉમેદવાર તરીકે ફોર્મ દાખલ કરશે ત્યારે, કંઈક નવાજૂનીની શકયતાઓ છે.
આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે, આજે સવારે એક નવો ઘટનાક્રમ જોવા મળેલ છે. રાજકોટમાં પેલેસ રોડ પર ક્ષત્રિયોનું આસ્થા કેન્દ્ર મા આશાપુરાનું મંદિર આવેલું છે. આ સ્થળે રાજપૂત મહિલાઓ રૂપાલા વિવાદ દરમિયાન અન્ન ત્યાગ કરી રૂપાલા વિરોધ સાથે આંદોલન ચલાવી રહ્યા છે એવા અહેવાલ વચ્ચે, આજે સવારમાં રૂપાલા આ મંદિરે માતાજીના શરણમાં પહોંચી ગયા. માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા. સેવાપૂજા કરી. અને, આજના ચૂંટણીપ્રચારની શરૂઆત કરી દીધી. સાથે કમાન્ડો અને ખાનગી બાઉન્સર તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા.
હવે પછીના કલાકો અને દિવસોમાં રૂપાલા વિરોધ અને વિવાદ કઈ રીતે આગળ વધશે અથવા હવે પછીના અંકમાં શું થશે ? એ જાણવાની સૌને ઉત્સુકતા છે પરંતુ હાલ સમાચાર એટલાં જ છે કે, રૂપાલાએ આજના ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરી દીધાં છે અને આ લોક સંપર્ક શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યો છે. ટોચની નેતાગીરીએ રૂપાલા વિવાદનો હલ શોધી લીધો છે એવું હાલ સમજાઈ રહ્યું છે.