Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રાજકોટ ભાજપાના લોકસભાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા અને સમગ્ર ક્ષત્રિય સમાજ વચ્ચેનો મામલો, સતત આકરો બની રહ્યો છે તે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે, આજે બુધવારે અમદાવાદમાં સમગ્ર રાજ્યના ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાશે. અને, આગામી 24-48 કલાકમાં આ મામલો ફેંસલાની દિશામાં આગળ વધશે.
ક્ષત્રિય સમાજ અંગેની રૂપાલાની વિવાદીત ટીપ્પણીને પગલે છેલ્લા દસેક દિવસથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની લોકસભા ઉમેદવારી રદ્દ કરાવવાની માંગ થઇ છે અને ગામેગામથી આ માંગ ઉગ્ર બની રહી છે. બીજી તરફ ભાજપા વારંવાર બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી રહ્યું છે, પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માંગમાં મક્કમ છે. તેઓની એક જ માંગ છે- રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે અને જો એમ કરવામાં ન આવે તો લોકસભા ચૂંટણીઓમાં ભાજપાનો બહિષ્કાર, એવી ચિમકી જાહેરમાં આપવામાં આવી રહી છે.
દરમિયાન, આજના રિપોર્ટ અનુસાર આજે અમદાવાદના ઓગણજ ગોતા ખાતે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજના 92 આગેવાનો રાજપૂત સમાજ ભવન ખાતે એકત્ર થશે. રાજપૂત સમાજના રાજ્યના તમામ કાર્યક્રમ અહીં જ યોજાય છે. આગેવાનોની આ કોર કમિટી આગળની રણનીતિ તૈયાર કરશે. કોર કમિટીની બેઠક બાદ, આ તમામ આગેવાનો અને ભાજપાની સંયુકત બેઠક યોજાશે, જેમાં રૂપાલા અંગે નિર્ણય લેવા ચર્ચાઓ થશે.
આજે રાજ્યના આ તમામ ક્ષત્રિય આગેવાનોની ભાજપા સાથેની બેઠક બાદ ફરીથી આવતીકાલે ગુરૂવારે ક્ષત્રિય સમાજના આ આગેવાનોની બેઠક મળશે. જેમાં ભાજપા સાથેની બુધવારની બેઠકમાં થયેલી વાતચીતની ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. અને ત્યારબાદ જ રૂપાલા પ્રકરણ અંગે કોઈ નિર્ણય જાહેર થશે. એટલે કે, આવતીકાલની ગુરૂવારની બેઠક સુધી આ મામલો હાલ ઠરવાનો નથી. દરમિયાન, એવા પણ અહેવાલો વહી રહ્યા છે કે, ભાજપા ઉમેદવાર બદલવા ઈચ્છતું નથી અને ક્ષત્રિય સમાજ પીછેહઠ કરવા કે ઝૂકવા રાજી નથી. તો, આ સ્થિતિમાં પરિણામ શું આવશે ? તે કહેવું હાલ મુશ્કેલ છે.
અમદાવાદમાં કોર કમિટીની આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો અશ્વિનસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઘેલા, તૃપ્તિબા રાઓલ અને રમજુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક બાદ ભાજપા સાથે જે બેઠક યોજાશે તેમાં ભાજપા તરફથી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, જયદ્રથસિંહ પરમાર, આઈ.કે.જાડેજા, રાજયમંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.