Mysamachar.in:અમદાવાદ
રાજયની વડી અદાલતે પોલીસવિભાગને કહ્યું છે કે, ધરણાં-પ્રદર્શન અને દેખાવો યોજવા માટેની મંજૂરીઓ કયા નિયમો અનુસાર આપવામાં આવે છે અને આ પ્રકારની મંજૂરીઓ આપવાનો કયા નિયમો હેઠળ ઈન્કાર કરવામાં આવે છે ? આ તમામ વિગતો સાથેનાં નિયમો વેબસાઇટ પર મૂકવાના રહેશે. વડી અદાલતે આ માટે પોલીસવિભાગને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ અંગે હાઈકોર્ટમાં અગાઉ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસવિભાગે અદાલતમાં એમ કહ્યું હતું કે, આ માટેનાં નિયમો છે પરંતુ મળી રહ્યા નથી ! એ સુનાવણીમાં અદાલતે એમ પણ કહ્યું હતું કે, એ નિયમો શોધી લાવો. ત્યારબાદ આ મામલો ફરીથી વડી અદાલતમાં ચાલવા પર આવ્યો હતો.
છેલ્લી સુનાવણી દરમિયાન એ હકીકત જાહેર થઈ હતી કે, આ કેસમાં રાજય સરકારે પોલીસવિભાગ વતી સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં ખાતરી આપવામાં આવી હતી કે, આ નિયમો વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ સોગંદનામું રેકર્ડ પર લઈ જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ મેંગડેની ખંડપીઠે પોલીસવિભાગને એવો આદેશ કર્યો છે કે, આગામી 12 સપ્તાહમાં આ મંજૂરીઓ અને મંજૂરીઓનો ઈન્કાર સંબંધિત તમામ નિયમો વેબસાઇટ પર મૂકવામાં આવે. આ સાથે જ, સોગંદનામાં મુજબ કામ થાય છે કે કેમ ? તે ચકાસવા દિવાળી વેકેશન બાદની તારીખ મુકરર કરવામાં આવી છે.