Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદનો માણેકચોક વિસ્તાર સોનાની લેતીદેતી મુદ્દે પ્રખ્યાત અને કુખ્યાત- બંને છે. આ વિસ્તારનો એક સોની વેપારી દોઢ કરોડ રૂપિયાથી વધુની કિંમતના સોનાની અને રૂપિયાની લેતીદેતીમાં પોતે ‘છેતરાઈ’ ગયો, એવી ફરિયાદ કરતાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. અચરજની વાત એ પણ છે કે, આ મોટા ગણાતાં સોદામાં ચલણી નોટુ ખોટી અને નોટુ પર ગાંધીના ફોટાને બદલે નિવૃત અભિનેતા-કમ-નેતા અનુપમ ખેરનો ફોટો ! એવી વિચિત્ર વિગતો આ ફરિયાદમાં જાહેર થતાં, લોકો આ ફરિયાદને પણ અચરજ સાથે રમૂજના રૂપમાં જોઈ રહ્યા છે. આવડી મોટી ફરિયાદમાં ફરિયાદી કે ફરિયાદીની પેઢીના નામનો ઉલ્લેખ પણ જાહેર થયો ન હોય, આ આખા મામલાએ ગુજરાતમાં આશ્ચર્ય ફેલાવ્યું છે.
માણેકચોકના સોનીએ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નકલી નોટ સંબંધિત આ મામલાની નોંધ લીધી છે. પોલીસને શંકા છે કે, આ ફ્રોડ ગેંગ રાજસ્થાની હોય શકે. રૂ. 1.60 કરોડનું સોનું બિસ્કિટના રૂપમાં ખરીદવા ચીટરોએ રૂ. 500ની નકલી નોટના બેંક જેવા બંડલ આપ્યા હતાં. વેપારી તથા પોલીસ કહે છે: આ નોટો પર ગાંધીજીના બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(બંડલ પર) તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું નામ પણ આ નોટો પર ખોટી રીતે લખવામાં આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચ કહે છે, આ મોટી છેતરપિંડી છે. અમદાવાદના સીજી રોડ પર આવેલી એક આંગડિયા પેઢી પર સોનું પહોંચાડવાનું અને નાણાં સ્વીકારવાનું નક્કી થયું હતું. 3 આરોપીઓ આ સ્થળે નોટો ગણવાનું મશીન લઈ ઉભા હતાં. આરોપીઓએ સોનાની ડિલિવરી વખતે સોનીને રૂ. 1.30 કરોડ આપ્યા અને બાકીના 30 લાખ બાજુની ઓફિસમાંથી ગણીને લાવું છું એમ કહી, ગયા બાદ પરત આવ્યો નહીં. સોનીએ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. અભિનેતા અનુપમ ખેરે પણ આ મામલા અંગે પ્રતિક્રિયા આપી: તેણે કહ્યું, ગાંધીજીની જગ્યાએ મારૂં ચિત્ર ?! કંઈ પણ થઈ શકે. આ સાથે અનુપમ ખેરે આશ્ચર્યજનક ઈમોજીસ પણ મૂક્યા છે. ક્રાઈમ બ્રાંચ કેસની તપાસ ચલાવી રહી છે.