Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઘણાં સમય બાદ લૂંટનો એક બનાવ પોલીસ દફતરે ચડ્યો છે. આ બનાવ શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બન્યો હોવાનું જાહેર થયું છે. લૂંટારાઓએ ધોળે દિવસે બપોરે ત્રાટકી પોલીસને પડકાર આપ્યો છે. લૂંટારા એક મહિલાને મોઢે ડૂચો દઈ ઘરમાંથી રૂ.14 લાખની માલમતા લૂંટી સહીસલામત પોબારા ભણી ગયા છે. પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે.
શહેરમાં કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટીમાં પ્લોટ નંબર 26માં રહેતાં 58 વર્ષના ફરીદાબેન મુસ્તફાભાઈ નુરૂદીનભાઈ અતરીયાએ પોલીસમાં, ગઈકાલે સાંજે સાત વાગ્યે એમ જાહેર કર્યું છે કે, કાલે સોમવારે બપોરે સવા બાર વાગ્યા આસપાસ લૂંટારાઓએ એમના ઘરમાં પ્રવેશ મેળવી લીધો હતો. લૂંટારાઓએ આયુર્વેદિક દવાઓ આપવાના બહાને ફરિયાદીના ઘરમાં ઘૂસી, ફરીદાબેનને લાત મારી પછાડી દીધાં હતાં અને ઢીકાપાટુનો માર મારી, મોઢે કપડાંનો ડૂચો લગાવી આ મહિલાના ચારેય હાથપગ દોરી વડે બાંધી દીધાં હતાં.
ફરિયાદી ફરીદાબેને પોલીસમાં વધુમાં એમ જાહેર કર્યું છે કે, આ લૂંટારાઓએ આ મહિલાને બાંધી દીધાં પછી, બીજા રૂમમાં લઈ ગયા હતાં, જ્યાં મહિલાને ગોંધી રાખી, મહિલાના ગળામાંથી રૂ.55,000ની કિંમતનો 12 ગ્રામનો સોનાનો ચેન લૂંટી લીધો. બાદમાં અન્ય રૂમમાં રહેલી તિજોરી ચાવી વડે કે અન્ય કોઈ રીતે ખોલી, એક લાખ રૂપિયા રોકડા, દસ તોલાનું રૂ. 5,50,000ની કિંમતનું સોનાનું બિસ્કિટ, 6 ગ્રામ વજનની રૂ. 28,000ની સોનાની બુટ્ટી, 3 ગ્રામની રૂ. 12,500ની સોનાની બે ગીની, 12 તોલા વજનની રૂ. 6,60,000ની સોનાની 4 બંગડી, ચાંદીની માણેકના નંગવાળી રૂ. 2,000ની વીંટી એમ કુલ રૂ. 14,07,500નો મુદ્દામાલ લૂંટી લીધો અને સહીસલામત રીતે આ વિસ્તારમાંથી જતાં પણ રહ્યા. લોકોમાં ચર્ચાઓ એ છે કે, પોલીસ થર્ટી ફર્સ્ટના નામે દારૂડિયાઓ શોધે છે અને ટાઢમાં વાહનચાલકોને ‘કસરત’ કરાવતી રહી, એ દરમિયાન મૌકાનો ફાયદો ઉઠાવી રેઢાં પડમાં લૂંટારાઓએ ઘા કરી લીધો.
ફરિયાદી ફરીદાબેનના પરિવારજનોએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, બંને લૂંટારાઓ આશરે 30-35 વર્ષના હતાં અને બંને ગુજરાતી ભાષા બોલતાં હતાં અને ગણતરીની મિનિટોમાં ઓપરેશન પૂર્ણ કરી નાસી છૂટ્યા હતાં.