Mysamachar.in:જામનગર
જામનગરમાં અસામાજિક તત્ત્વો પોલીસથી જાણે કે ડરતાં ન હોય એવી ચિંતાપ્રેરક સ્થિતિ જોવા મળી રહી છે ! લુંટ અને હુમલાઓ જેવી વારદાતો સરાજાહેર થઈ રહી હોય, કાયદાનો ડર ઓસરી રહ્યાની સ્થિતિ હોય એવું દેખાઈ રહ્યું છે. બે હિમ્મતબાજ લુંટારાઓએ SPના બંગલાથી તદ્દન નજીક એક વૃદ્ધને ફડાકાઓ ખેંચી લુંટી લીધાં ! જાહેર રોડ પર લુંટારાઓ આટલી હિમ્મત શા કારણથી દેખાડી રહ્યા છે ?! એ વિષય પર પોલીસે ક્રાઈમ કોન્ફરન્સમાં મંથન કરવું જોઈએ.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુરુવારે બપોરે 3 વાગ્યે લુંટની એક ફરિયાદ દાખલ થઈ છે. શહેરના લાલબાગ વિસ્તારમાં ડેલી ફળીમાં રહેતાં અને નિવૃત જીવન પસાર કરતાં 77 વર્ષના વસંતભાઈ જયંતિલાલ વોરાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, બુધવારે રાત્રે 10:30 આસપાસ તેઓ પોતાના એકટીવા પર ઘર તરફ જઈ રહયા હતાં ત્યારે બે અજાણ્યા શખ્સોએ આ ફરિયાદીના વાહન પાસે પોતાનું મોટરસાયકલ ઉભું રાખી આ વૃદ્ધને બેફામ ગાળો આપી, મોટરસાયકલ ચલાવી રહેલાં શખ્સે ફરિયાદીનો જમણો હાથ પકડી આ વૃદ્ધને ફડાકો ખેંચી લીધો અને વૃદ્ધના હાથની આંગળીમાંથી રૂપિયા 70,000ની કિંમતની સોનાની વીંટી આંચકી લીધી. અને મોટરસાયકલ પર પાછળ બેઠેલાં શખ્સે આ વૃદ્ધના શર્ટનો કોલર પકડી વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 900 લઈ લીધાં અને નાસી ગયા. આ બનાવ SP બંગલાની પાછળ, સિટી આર્કેડ બિલ્ડીંગ પાસે પેટ્રોલપંપ નજીક બન્યો હોવાનું બહાર આવ્યું છે.