Mysamachar.in-કચ્છ
પૂર્વ કચ્છના અંજાર શહેરમાં ગત મોડી સાંજે 62 લાખની આંગડિયા લૂંટ થતા ચકચાર મચી છે. બે લૂંટારુઓ આંગડિયા પેઢીના સંચાલકની કાર અને રોકડ રકમ લઈ ફરાર થઈ જતા પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન આંગડીયા સંચાલકની કાર પોલીસને બિનવારસી મળી આવી છે. આંગડિયા પેઢીના સંચાલકની આંખમાં મરચું નાખી કાર અને તેમાં રાખેલા 62 લાખ રોકડા ઉપરાંત સોનાની માળા અને મોબાઈલ સહિત કુલ રૂ. 65.85 લાખનો મુદ્દામાલ લૂંટી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.
એન.આર. આંગડિયા પેઢીના સંચાલક ભાવિન તુલસીદાસ ભીંડે (ઠક્કર) પોતાની આંગડિયા પેઢી વધાવીને અંદાજિત 7-30 વાગ્યાના અરસામાં પોતાની સ્વીફ્ટ કાર નં. GJ 24 AA 3423 કારમાં રોકડા રૂ. 62 લાખ સાથે લઈ નીકળ્યા હતા જ્યાંથી થોડે દુર જતા જ એક નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન બાઈકથી અંદાજિત 30થી 35 વર્ષની ઉંમરનો યુવાન ભોગ બનનારની કારની પાછળની બાજુએથી અથડાયો હતો. જે બાદ તે યુવાને આવી ભોગ બનનારની કારનો કાચ ખખડાવતા કારનો કાચ ખોલતાની સાથે જ પાછળથી આવેલા બે ઈસમોએ આંખમાં મરચું નાખી કારમાંથી ભોગ બનનારને બહાર ધકેલી બે ઈસમો કાર લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે બાઈક સાથે આવેલો ઈસમ ત્યાંથી દોડી જઇ નાસી છૂટ્યો હતો.
આ બનાવ દરમ્યાન ભોગ બનનારની સ્વીફ્ટ કાર ઉપરાંત રૂ. 62 લાખ રોકડા તથા સોનાની માળા, કારમાં રાખેલો મોબાઈલ સહિત કુલ રૂ. 65.85 લાખની લૂંટ ચલાવાઈ હતી. અંજાર શહેરમાં આંગડિયા લૂંટ થઈ હોવાની જાણ થતા જ ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે શહેરમાં બહાર જતા તમામ રસ્તા પર નાકાબંધી કરી દીધી હતી. પોલીસની ટીમોએ હાલ સીસીટીવીના આધારે અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. જો કે લુંટમાં ગયેલ કાર બિનવારસી ભચાઉના ચિરાઇ નજીકથી મળી આવી છે જયારે લુંટારાઓને શોધવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે.