Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં સરેરાશ નાગરિકનો મત એવો છે કે, અહીં સૌ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરે છે અને ભેળસેળ કરનારાઓને કોઈ ફાંસીના માંચડે ચડાવી દેતું નથી. લોકોની આ માન્યતાઓ સાચી છે ! તેની સાબિતી પણ રેકર્ડ પર આવી ગઈ. ખુદ સરકારે વિધાનસભામાં આપેલા આંકડા આમ દર્શાવે છે. વિધાનસભા ગૃહમાં ખુદ શાસકપક્ષના એક ધારાસભ્યએ હાલમાં જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે ચોંકાવનારી વાત કહેલી. ત્યારે પણ ગૃહમાં સરકારને નીચાજોણું થયેલું. હવે તો ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલા આંકડા આ વાતની સાક્ષી પૂરે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ભાજપાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેળસેળ બાબતે વિધાનસભામાં ઉભરો ઠાલવ્યો એ અગાઉ પણ ભાજપાના જ પૂર્વ ધારાસભ્ય નારણ પટેલએ પણ ભેળસેળનો મુદ્દો ઉઠાવેલો. તેમણે કહેલું: માત્ર દરોડાના નાટકો કરવામાં આવે છે, ભેળસેળિયાઓ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહીઓ થતી નથી.
વિધાનસભામાં સરકારે કહ્યું: વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 એમ 2 વર્ષ દરમિયાન અમદાવાદમાંથી કુલ મળી 8,008 કિલોગ્રામ ‘નકલી’ ઘી નો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાંથી 997 કિલોગ્રામ નકલી ઘી ઝડપાયું હતું. આ નકલી ઘી મામલાઓમાં કુલ 6 આસામીઓને કુલ રૂ. 3.60 લાખનો દંડ કરવામાં આવ્યો છે. તેમને અન્ય કોઈ સજા કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાંથી નકલી ઘી કૌભાંડમાં કુલ 117 શખ્સો ઝડપાયા છે જે પૈકી એકને પણ સજા કરવામાં આવી નથી.