Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આવડત સાથે સાહસ અને હિંમતનો સદુપયોગ કરી અને સમાજમાં કંઈક અલગ નામ અને સ્થાન મેળવવા માટે આત્મવિશ્વાસ સાથે કોઠાસૂઝ અનિવાર્ય છે. ત્યારે આવું જ એક આદર્શ ઉદાહરણ ઉગતી પ્રતિભા એવી તરુણી રોઝ ટીલવાનું આપી શકાય, આખી વાત છે અમદાવાદની રોઝ ટીલવાની. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી રોઝ ટીલવા તેના સર્કલ સાથે એક પાર્ટીમાં સારી નામના ધરાવતી કોફી શોપમાં ગઈ હતી. ત્યાં તેણે કોફીની કિંમતો જાણી હતી. જે તેને ખૂબ જ વધારે લાગી હતી. સુખી અને સંપન્ન પરિવારની તરુણી રોઝ ટીલવાને આ જોઈને પોતાનો કોફીનો બિઝનેસ ડેવલપ કરવાનો વિચાર સ્ફૂર્યો. અને બસ તેમના પપ્પા હેમેનભાઈ તથા મમ્મીને નેહલબેનને આ અંગે વાત કરતા તેઓએ પોતાની પુત્રીના આ વિચારને ગૌરવભેર આવકારી, અને તેને મૂર્તિમંત કરવા તમામ જરૂરી સાથ સહયોગ આપ્યો હતો.
તમામ પાસાઓ તેમજ પરિબળો સાથે ક્વોલિટી, કિંમત અને માર્કેટને અનુરૂપ બાબતોનું સંકલન કરી અને આકર્ષક પેકિંગમાં તેણે લા રોઝાના નામથી પોતાની ઉચ્ચ ક્વોલિટીની કોફીનું વેચાણ શરૂ કરી દીધું છે. કોફી ચાહકોના ટેસ્ટ મુજબ જુદા જુદા પાંચ પ્રકારના ફ્લેવર સાથેની લા રોઝા બ્રાન્ડ કોફીએ પોતાનો અલગ જ ચાહક વર્ગ ઉભો કરી લીધો છે.
લા રોઝાના ડાયરેક્ટર એવા યંગ એન્ટરપ્રેનીયોર (યુવા સાહસિક) રોઝ ટીલવાએ આ અંગે જણાવ્યું હતું કે “કોઈ પણ કામ કે સાહસ માટે ઉંમર મહત્વની નથી. પરંતુ કાંઈક નવું આપવા અને કરી બતાવવાની ધગશ કોઈપણ વ્યક્તિને સફળતાના શિખરો સુધી લઈ જાય છે.” (તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)