Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા લોકોની સુખાકારીઓ માટે શું કરી રહી છે, એ અલગ ચર્ચાનો વિષય છે. તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, કરદાતા નગરજનો વેરાઓ અને ચાર્જીસના રૂપમાં જે નાણું મહાનગરપાલિકાની તિજોરીમાં ઠાલવે છે- તે નાણાંનું આખરે શું થાય છે. જાણકારોના મતે, પ્રજાની તિજોરીનું આ નાણું સંબંધિત લોકોની જેબ સુધી પહોંચાડવા મહાનગરપાલિકામાં બધાં જ પ્રકારના ‘ખેલ’ થતાં રહે છે. આવો જ વધુ એક ખેલ તાજેતરમાં પડી ગયો. એક રૂપિયાના કામ માટે મહાનગરપાલિકા ચાર રૂપિયાનો ખર્ચ કરવા હોંશેહોંશે થનગની રહી છે. અને, કારણ એ આપી રહી છે કે- મહાનગરપાલિકાની માલમિલકતોનું રક્ષણ કરવા અંગે મહાનગરપાલિકા ખૂબ જ ચિંતિત છે અને આયોજનમાં (કે, ગોઠવણમાં?!) વ્યસ્ત છે.
મહાનગરપાલિકાની શહેરમાં આવેલી અને શહેરની આસપાસ આવેલી ઘણી બધી મિલકતો અને માલસામાનના રક્ષણ માટે સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થાઓ જરૂરી હોય છે પરંતુ મહાનગરપાલિકા આ માટે 23 વર્ષથી કાયમી કર્મચારીઓની ભરતીઓ કરતી નથી. 86 પૈકી 70 જગ્યાઓ ખાલી છે. તેમાં નવી ભરતીઓ કરવાને બદલે આ આખી જવાબદારીઓ ‘ખાનગી’ ખેલાડીઓને સોંપી- ચાર ગણો, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ કામ માટે મહાનગરપાલિકા દર વર્ષે રૂ. 2 કરોડનો ખર્ચ કરી રહી છે. જે અગાઉના વર્ષ કરતાં ચાર ગણો છે. પ્રજાની તિજોરીને ચાર ગણો માર.
ખાનગી સિકયોરિટી ગાર્ડ નિભાવવાનો ખર્ચ અત્યાર સુધી 50-55-60 લાખ થતો, હવે મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે, આ માટે આપણે દર વર્ષે રૂ. 2 કરોડનો ખર્ચ કરીશું. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના નિર્ણય લેતાં અગાઉ શહેર શાસકપક્ષની સંકલન બેઠક યોજાતી હોય છે, તેમાં પ્લાનિંગનો પિંડ તૈયાર થતો હોય છે, સંબંધિત અધિકારીઓની પણ આમાં ભૂમિકાઓ હોય છે અને આખરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવી બાબતોને લીલીઝંડી આપવામાં આવતી હોય છે. આ બધી પ્રક્રિયાઓ દરમિયાન શાસકપક્ષ ધારે તો નાણાંકીય શિસ્ત જાળવી શકે.
બીજો મુદ્દો: સ્ટેન્ડિંગ કમિટીએ જાહેર કર્યું કે, સિકયોરિટી ગાર્ડ માટેનો કોન્ટ્રાક્ટ આપતા અગાઉ અમોને ચાર એજન્સીઓના ભાવ મળેલાં. આ ચારેય ભાવ સાવ એકસરખા. જાણકારોના મત મુજબ, આ બાબત દર્શાવે છે કે, કોન્ટ્રાક્ટરો વચ્ચે કામ મેળવવા માટે રિંગ ઉર્ફે સેટીંગ હોય છે. આ બાબતનું કોઈને અચરજ થતું નથી. કોર્પોરેશનમાં લગભગ તમામ કોન્ટ્રાક્ટમાં રિંગ કોમન ફેક્ટર બની ગયું છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, ચર્ચાઓ એવી છે કે- સિકયોરિટી ગાર્ડ પૂરાં પાડવાનો આ કોન્ટ્રાક્ટ શહેર શાસકપક્ષ સંગઠનના એક વજનદાર પદાધિકારીની તરફેણમાં આપવામાં આવ્યો છે. શાસકપક્ષના અન્ય નગરસેવકો પણ કોર્પોરેશનની આ પ્રકારની સ્કીમોનો ભરપૂર લાભ અને ગેરલાભ લઈ રહ્યા છે. વિપક્ષના અમુક નગરસેવકોને પણ સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યાની ચર્ચાઓ છે. ટૂંકમાં, સીધી યા આડકતરી રીતે મહાનગરપાલિકાને જ્યાં સુધી લાગેવળગે છે, સૌ બાહોશ અને વગદાર લોકોની નજર પ્રજાની તિજોરી પર જ હોય છે, આ પ્રકારની સ્થિતિઓને કારણે મહાનગરપાલિકાની તિજોરી કાયમ ઠનઠન જ રહે છે, અધિકારીઓ અને કર્મચારીઓના પગાર માટે પણ છેક ગાંધીનગર સુધી સૌએ દોડાદોડી કરવી પડે છે- સુશાસનની વાતો વચ્ચે આ બધું જ મહાનગરપાલિકામાં દાયકાઓથી ધમધમી રહ્યું છે. સિકયોરિટી ગાર્ડ માટેનો કોન્ટ્રાક્ટ તો વધુ એક ઉદાહરણ માત્ર છે.