Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ જામજોધપુરના જ એક નિવૃત તલાટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીએ કહ્યું છે કે, આરોપી જમીનના નામે ફરિયાદીના રૂ. 11 લાખ ઓળવી ગયા છે. અને વધારામાં જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે.
જામજોધપુરના સગરા પા ચકલામાં રહેતાં ખેડૂત મહિલા અંજનાબેન નટુભાઈ ખાંટે જામજોધપુરના રહેવાસી અને હાલ નિવૃત તલાટી ચીમનભાઈ ખાંટ વિરુદ્ધ વિશ્વાસઘાતની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના જણાવ્યા અનુસાર, આરોપીએ એક જમીનના સોદા મામલે ફરિયાદી મહિલા પાસેથી કટકે કટકે રૂ. 11 લાખ મેળવી લઈ, બાદમાં આ જમીન મહિલાના નામે કરી આપવાને બદલે આરોપીએ પોતાના પરિવારજનોને નામે આ જમીન કરાવી લીધી છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદી મહિલાને ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવાનો જેતે સમયે ભરોસો અપાવ્યો હતો અને ફરિયાદીને વિશ્વાસમાં લઇ ઓગસ્ટ-2018થી 2021 દરમિયાન, આરોપીએ જમીનના જુદા જુદા સરકારી કામસર ફરિયાદી પાસેથી કટકે કટકે રૂ. 11 લાખ મેળવી લીધાં હતાં. બાદમાં આરોપીએ આ ખેતીની જમીન પોતાના પુત્રના નામે કરાવી લીધી. આ ઉપરાંત ડેરીની એક જમીનનો દસ્તાવેજ આરોપીએ પોતાના જમાઈના નામે કરાવી લઈ, ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો.
આ અંગે ફરિયાદીને જાણ થતાં તેણીએ પોતાની રૂ. 11 લાખની રકમ આરોપી પાસેથી પરત માંગી ત્યારે, આરોપીએ કહ્યું: હાલ નાણાંની વ્યવસ્થા નથી તેથી તમારાં રૂપિયાના જામીન લ્યો, આ સોનાના દાગીના રાખો. બાદમાં રૂપિયા આપી દાગીનાઓ લઈ જઈશ. એમ કહી દાગીનાઓ આપ્યા. બાદમાં ફરિયાદીને જાણ થઈ કે, આ દાગીનાઓ બનાવટી છે. આથી તેણીએ બનાવટી દાગીનાઓ અંગે આરોપીને વાત કરતાં, આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને આ ફરિયાદી મહિલાને એકદમ ખરાબ ગાળો આપી, એવું આ મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે.