Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી નિવૃત IPS આર. જે. સવાણી પોતાની બેબાક ફેસબૂક પોસ્ટને કારણે ભારે ચર્ચા જગાવી છે. પહેલા ભ્રષ્ટાચાર પર પોસ્ટ લખ્યા બાદ હવે સવાણીએ સ્મીનારાયણ સંપ્રદાયને લઇને એક વિચિત્ર પોસ્ટ લખી છે. ફેસબૂક પર અપના અડ્ડા નામના એક જાણીતા ગ્રૂપમાં સવાણીએ ઓસ્ટ્રેલિયાની આગ અને સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીના નિવેદનને જોડી પોતાની વાત રજૂ કરી છે. આ પોસ્ટમાં મોટી સંખ્યામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
રમેશ સવાણીએ ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે ''સુરતમાં માળા કરે અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડે ? 5 જાન્યુઆરી 2020, રવિવારના સમાચાર છે કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ખતરનાક સ્તર પર પહોંચી ચૂકી છે. સપ્ટેમ્બર 2019 થી જંગલોમાં આગ ભભૂકી રહી છે અને તેના પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. સિડની યુનિવર્સિટીના સંશોધકોનું અનુમાન છે કે, આ આગમાં અત્યાર સુધીમાં 50 કરોડ પશુ પક્ષીઓના મોત થયા છે. આ આગ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સના કિનારાના વિસ્તારોમાં સૌથી વધારે ફેલાઈ છે. હવા અને ધૂમાડાના કારણે સેંકડો ગામડાઓ અને શહેરોમાં લોકોનું રહેવાનું મુશ્કેલ થઈ રહ્યુ છે. લોકો ઘર છોડને ભાગી રહ્યા છે.આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આગના કારણે 13 જાન્યુઆરી, 2020 થી શરુ થનારા ભારત પ્રવાસને અને એ પછીના જાપાન પ્રવાસને રદ કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયાના લોકોને ચક્કર ચડી જાય તેવો ધડાકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કર્યો છે. સ્વામિનારાયણ પંથ એક ફાંટાએ-BAPSના મહંત સ્વામીએ સુરતમાં માળા ફેરવી એટલે તરત જ ઓસ્ટ્રેલિયામાં વરસાદ શરુ થયો ! ભોળા ભક્તોને આવી ચમત્કારી વાતો ખૂબ ગમે. સંપ્રદાયના સાધુઓ પ્રગટ બ્રહ્મસ્વરુપ છે; તેવું ભક્તોને લાગે છે. પરંતુ નવી જનરેશન આવા તુક્કા સહન કરી શકતી નથી. USA માં એક સંબંધીનો પુત્ર નાનપણથી સ્વામિનારાયણ પૂજાપાઠ કરતો હતો; તે કોલેજમાં પહોંચ્યો ત્યારે આધુનિક વિજ્ઞાન અને જીવન શૈલી સાથે અનુકૂલન સાધવામાં તેને મુશ્કેલી થઈ. તે ચિંતામાં મૂકાયો. અંતે તેણે સ્યુસાઈડ કર્યું.
મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 વધુ માણસોના મૃત્યુ થયા નહોત; JNU માં હિંસા થઈ નહોત; આર્થિકમંદીનો સામનો કરતા કેટલાંય કુટુંબોએ સામૂહિક આત્મહત્યા કરી નહોત; હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી નહોત ! પ્રગટ બ્રહ્મસ્વરુપનું ગ્લેમર ઊભું કરવામાં કંઈક તો મર્યાદા રાખો ! આગ ન લાગે તે માટે માળા ફેરવવાનું મહંત સ્વામી કેમ ભૂલી ગયા હશે ?''