Mysamachar.in-ભુજ:
રાજયમાં ભૂજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયુટમાં છાત્રાઓ સાથે થયેલી શર્મનાક હરકત બાદ ઠેર-ઠેર રોષ જોવા મળી રહ્યો છે. અને ત્યાં સુધી કે સરકાર પણ હરકતમાં આવી ગઈ છે, રાજ્યના મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તો રાજ્ય મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગ પણ આ બાબતે સક્રિય થયા છે અને ગૃહ અને શિક્ષણ વિભાગે પણ તપાસો શરુ કરી છે, ત્યારે ફેસબુક, વોટ્સએપ સહિતના દરેક સોશિયલ પ્લેટફોર્મ પર મહિલાઓ રોષ ઠાલવી રહી છે. ત્યારે મહિલાઓના રોષને ટાંકીને રિટાયર્ડ IPS રમેશ સવાણીએ પોસ્ટ કરીને સવાલો ઉઠાવ્યા છે. તેમણે દરવખતની જેમ આ વખતે પણ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રૂપમાં પોતાના વિચારો રજુ કર્યા છે, નિવૃત આઈ.પી.એસ.સવાણીએ લખેલ પોસ્ટ અત્રે રજુ કરી છે.
11 ફેબ્રુઆરી, 2020ના રોજ ભૂજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત ‘સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ’ની છાત્રાઓના વસ્ત્રો ઊતરાવી તે રજસ્વલા/માસિકધર્મ/માસિકસ્ત્રાવ/રજોદર્શન/સ્ત્રીધર્મ/પીરીયડ/Menstrual Cycle-MCમાં છે કે નહી; તેની ચકાસણી મહિલા શિક્ષિકા દ્વારા કરવામાં આવી. ચંદ્રિકા સોલંકીએ ફેસબૂક પોસ્ટમાં અણિયાળો પ્રશ્ન પૂછ્યો છે : ‘સ્ત્રીના માસિકઘર્મનો છોછ રાખનાર, એને અછૂત સમજનારા લોકોને કે સંપ્રદાયના વડાઓને એટલીય ખબર પડતી નહીં હોય કે એમના માતા પણ માસિકઘર્મમાં બેઠા વિના જ એમનો જન્મ શક્ય બન્યો હશે?’ અનેક મહિલાઓએ અવાજ ઉઠાવ્યો; આવી ચકાસણીને અધમ અને વિકૃત ગણાવી. ખૂબ ઊહાપોહ થયો; પરંતુ થોડા દિવસમાં આપણા ઘર્મગ્રંથોના પોપટપાઠ બધું ભૂલવાડી દેશે !
સંતોને/ઈશ્વરને જન્મ આપનાર સ્ત્રી માસિકધર્મ દરમિયાન શામાટે અછૂત બની જાય છે? આનું કારણ આપણા ધર્મગ્રંથો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય પુસ્તક શિક્ષાપત્રી છે. શ્લોક-173 માં સહજાનંદજી લખે છે : ‘સુવાસિની અને વિધવા સ્ત્રીઓએ વસ્ત્રો પહેર્યા વિના નાહવું નહી; તેમજ પોતાનું રજસ્વલાપણું કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. આવી સ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડવું નહી અને ચોથે દિવસે નાહીને અડવું.’ શ્લોક-88માં લખ્યું છે : ‘અમારા સત્સંગી એવા ચારેય વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક પાળવું.’ જ્યાં લોકો સહજાનંદજીને ભગવાન માનતા હોય; સવારસાંજ તેમની પૂજા કરતા હોય; ત્યાં તેમણે લખેલી વાતોનું ચુસ્તપણે અમલ કરવા/કરાવવાનો આગ્રહ ભક્તલોકો રાખવાના જ. જે તે સમયે આવી સૂચનાઓ આપવી સહજાનંદજીને યોગ્ય લાગ્યું હશે; પરંતું હવે સ્વચ્છતા રહી શકે તેવી સગવડતાઓ ઊભી થઈ છે; ત્યારે આવા ધર્મના આદેશો માનવાની જરુર નથી; આટલી સમજણ પ્રગટતી નથી. એમ તો સહજાનંદજી પોતે મોબાઈલ ફોન વાપરતા ન હતા; શિક્ષાપત્રીમાં એ અંગે કોઈ ઉલ્લેખ પણ નથી, છતાં આજે સ્વામિનારાયણ સાધુઓ/સંતો/સત્સંગીઓએ મોબાઈલ ફોન અપનાવી લીધો છે. મતલબ કે સમયાનુસાર ફેરફાર થવો જોઈએ.
સહજાનંદજીએ 1826 માં શિક્ષાપત્રી લખી. પરંતુ તેના 148 વર્ષ પહેલા 1678માં કબીર પરંપરાના ગુજરાતના સંત જીવણજી મહારાજે ક્રાંતિકારી આદેશ કર્યો હતો : ‘સ્ત્રીઓએ રજસ્વલા પાળવી નહીં.’ ગુજરાતના લોકોને જ્ઞાની સંતો પચતા નથી ! રજસ્વલા તમામ માદા પ્રાણીઓને આવે છે; આ સહજ કુદરતી પ્રક્રિયા છે. ગાયને પણ રજસ્વલા આવે છે; તે વખતે તેનું પૂછડું આંખોએ/કપાળે અડાડીએ છીએ; રજસ્વલા ગાયનું દૂધ પીએ છીએ; તે વખતે ગાય કેમ અછૂત થઈ જતી નથી? સ્ત્રી જ અછૂત થઈ જાય? આ કેવો સંપ્રદાય? આ કેવો ધર્મ? આ કેવા સંતો? આ કેવા ભગવાન? ચંદ્રિકા સોલંકી પ્રશ્ન પૂછે છે : ‘જો માસિક ધર્મવાળી દિકરી કે સ્ત્રીનું મંદિર કે ધાર્મિક સ્થળોએ પ્રવેશવું એ અધર્મ કે અછૂત ગણાતું હોય તો માસિક ધર્મવાળી દિકરી મંદિરમાં દાખલ થતાં જ ભૂકંપ આવી મંદિરો કેમ પડી જતા નથી? ત્યાં બેઠેલા ભગવાન કેમ ચિત્કારી ઊઠતા નથી?’