Mysamachar.in-અમદાવાદ:
આમ તો ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર ના કિસ્સાઓ અલગ અલગ સર્વેના માધ્યમો અને એસીબીના આંકડાઓ દ્વારા સામે આવ્યા હતા, એવામાં ગુજરાત કેડરના નિવૃત IPS અધિકારી આર.જે. સવાણી એ પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર IPS અધિકારીઓ કરતા હોવાનો આક્ષેપ કરતી એક ફેસબુક પોસ્ટ અપના અડ્ડા નામના ગ્રૂપમાં કરી છે. પોસ્ટમાં તેઓએ IPS અધિકારીઓ પર આક્ષેપ કરતા લખ્યું છે કે IPS અધિકારીઓ નોન કરપ્ટ હોવાનો આબાદ ઢોંગ કરે છે. 100માંથી 10 જ અધિકારીઓ પ્રામાણિક હોય છે.ત્યારે એક નિવૃત આઈપીએસ અધિકારી દ્વારા લખાયેલ આ વાત હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની જવા પામી છે.
IPS આર.જે. સવાણીએ શું લખ્યું છે તે શબ્દશઃ અત્રે રજુ કરવામાં આવ્યું છે.
પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ક્યાંથી વહે છે ?
‘ગુજરાત પોલીસ સર્વિસ’ અને ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ’ના અધિકીરીઓ લોકોની ‘સેવા’ માટે છે કે કરપ્શન માટે છે? ‘પોલીસ’ શબ્દની પાછળ ‘સર્વિસ’ મૂકી શકાય? ગુજરાત પોલીસમાં કરપ્શન ટોચે પહોંચ્યું છે. આપણે ત્યાં કરપ્શનને નાથવા માટે ACB-એન્ટિ કરપ્શન બ્યૂરો છે. આ બ્યૂરોના અધિકારીઓ પણ પોલીસ વિભાગના જ હોય છે, એટલે કે કરપ્શનના રંગે રંગાયેલા હોય છે. 24 ડીસેમ્બર 2019 ના રોજ, જૂનાગઢ ACB ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચાવડાને, 18 લાખની લાંચ લેતા ACB ના અધિકારીઓએ અમદાવાદના સનાથળ સર્કલ પાસેથી ઝડપી લીધા ! ઓગષ્ટ 2019 માં, જેતપુરના DySP જે.એમ. ભરવાડ વતી 8 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલને ACB ના અધિકારીઓએ ઝડપી લીધેલ. ફરિયાદી પોલીસ સ્ટેશને જાય ત્યારે માતાજીઓની છબીઓ જોઈને ફરિયાદીને લાગે છે કે પોલીસ ધાર્મિક છે, મદદ કરશે ! પરંતુ ફરિયાદીને જુદો જ અનુભવ થાય છે. ફરિયાદીને સાંભળવાને બદલે તેની પાસે પૈસાની માંગણી થાય છે. ટ્રાફિક પોલીસના ઉઘરાણાનો દરેક નાગરિકને અનુભવ છે.
કોન્સ્ટેબલ લાંચ લે છે તે તો હિમશિલાની માત્ર ટોચ છે. મોટું કરપ્શન તો IPS અધિકારીઓ કરે છે. આ કરપ્શન પર્કોલેટ થતું નીચેના સ્તરે ઉતરે છે. કરપ્ટ IPS અધિકારીઓ શરમ રાખ્યા વિના કરપ્શન કરે છે. તક મળે તો પાછા પડતા નથી. તક ન હોય તો ઊભી કરે. ગુજરાત પોલીસમાં એવું કેટલુંય ફર્નિચર ખરીદેલું છે જે વર્ષોથી બિનવપરાશી પડ્યું રહ્યું છે. ખુરશી/ટેબલ/કબાટ ક્યાં રાખવા તે પ્રશ્ન છે. પોલીસ ટ્રેઈનિંગ સ્કૂલ વડોદરા ખાતે બે હેવી જનરેટર ત્રણ વર્ષથી ઈન્સ્ટોલ થયા વિનાના પડ્યા છે. આવી તો અનેક વસ્તુઓ ખરીદાય છે; કમિશન માટે ખરીદી થાય છે ! એક સમયે પોલીસ કોન્સ્ટેબલ માટે યુનિફોર્મના કાપડની ખરીદીમાં કરપ્શન થતું; એના કારણે થોડા સમયમાં યુનિફોર્મનો ખાખી કલર આછો થઈ જતો અને કાપડ ઢીલું થઈ જતું. બૂટ/કેપ/મોજા/રેઈનકોટ વગેરેની હાલત બે મહિનામાં ખરાબ થઈ જતી. કોન્સ્ટેબલની ટ્રેઈનિંગમાં એક રાઉન્ડ ઓછું રનિંગ કરાવવા માટે DySP કક્ષાના અધિકારી પૈસા પડાવે ! બેઝિક તાલીમમાં કરપ્શનનો ભોગ બનનાર કોન્સ્ટેબલ કઈ રીતે નાગરિક સાથે સારો વ્યવહાર કરે ? કેટલાક IPS અધિકારીઓ ‘નોન કરપ્ટ’ હોવાનો આબાદ ઢોંગ કરે છે. ગુજરાત કેડરના એક IPS અધિકારીએ વડોદરામાં 300 કરોડની લાંચ લીધેલ અને તેની ઈન્કવાયરી CBI માં ચાલતી હતી; છતાં આ કરપ્ટ અધિકારીની નિમણૂક CBI માં થઈ હતી !
કહેવત છે: કઢી અભડાય, દૂધપાક નહીં ! નાનો પકડાય, મોટો નહીં. સમરથ કો નહીં દોષ ગુસાંઈ ! પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ઉપરથી વહે છે. સમરથને ACB પકડી શકતી નથી. નાના કર્મચારીઓ/ નાના અધિકારીઓ પકડાય છે. કરપ્શનનું કારણ શું છે? પગાર ઓછો પડે છે? મોરારીબાપૂઓ/પાંડુરંગ શાસ્ત્રીઓ/પ્રગટ બ્રહ્મસ્વરુપોના ઉપદેશો બિલકુલ અસરહીન છે? માણસનો સ્વાર્થ બળૂકો બન્યો છે? કળિયુગનો પ્રભાવ છે? કારણ શું છે? મહત્વનું કારણ ભ્રષ્ટ નેતૃત્વ છે. જ્યારે નેતૃત્વ સડેલું હોય ત્યારે કરપ્શન વધે, ઘટે નહીં. વહીવટમાં કરપ્શનનો વ્યાપ ખૂબ જ છે : 100 IPS અધિકારીઓમાંથી માત્ર 10 અધિકારીઓ ઓનેસ્ટ હોય છે. આવું જ IAS અધિકારીઓનું છે. લોકોની સેવા માટે સરદાર પટેલે ‘ઓલ ઈન્ડિયા સર્વિસ’નો પાયો નાંખ્યો હતો; પરંતુ સરદારની એ ભાવનાનો આપણી બ્યૂરોક્રસીએ ભૂક્કો બોલાવી દીધો છે !rs