Mysamachar.in:ગાંધીનગર:
ખુરશીઓ પર બેઠેલાં અધિકારીઓ અને ખુરશીઓ પર વર્ષો સુધી બેસી, નિવૃત થતાં મોટાભાગના અધિકારીઓની નામી અને બેનામી સંપત્તિઓ તથા તેઓના પરિવારોના વૈભવ- લોકોમાં થતી ચર્ચાઓમાં અવારનવાર સંભળાતા રહેતાં હોય છે. આ અધિકારીઓ પૈકી જેની કુંડળીમાં રાહુ વંકાઈ જાય, તેની આવી ચર્ચાઓ સમાચાર બની જતી હોય છે અને આવા કેટલાંક અધિકારીઓએ જેલમાં પણ જવું પડતું હોય છે. એસ.કે.લાંગા આવું એક નામ છે. તેઓ નિવૃત IAS છે. એક જમાનામાં તેઓ ગાંધીનગરમાં કલેક્ટર હતાં. હાલમાં તેઓની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
આક્ષેપિત નિવૃત IAS SK લાંગા કેસની તપાસ ACB ચલાવી રહ્યું છે. જેમાં જાણવા મળે છે કે, આ નિવૃત અધિકારી અને તેના પુત્ર પરીક્ષિત ગઢવી વિરુદ્ધ અપ્રમાણસરની રૂ. 11.64 કરોડની મિલકતનો ગુનો થયો છે. આ અધિકારી ગાંધીનગર કલેક્ટર હતાં ત્યારે તેમણે સતાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યો હતો એવું જાહેર થયા બાદ તપાસમાં આ ગુનો દાખલ થયો છે. આ અધિકારીએ પોતાના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરૂં આચર્યુ હતું. જમીન બિનખેતીના ખોટાં હુકમ કર્યા હતાં. સરકારની તિજોરીને નુકસાન કરેલું. બિનખેડૂતને ખેડૂત જાહેર કરી, ખોટાં દસ્તાવેજ ઉભા કરી, જમીનનો પ્રકાર બદલાવી નાંખવાનો પણ ગુનો કરી ભ્રષ્ટાચાર આચરી લીધો હતો. અને, એ રીતે કાયદેસરની આવક કરતાં 198.5 ટકા જેટલી વધારાની આવક મેળવી લીધી હતી.
પ્રાથમિક તપાસ કહે છે, તેણે પોતાના પુત્રના નામે રૂ. 5.44 કરોડની મિલકત વસાવી લીધી હતી. અગાઉ તપાસમાં એવું પણ બહાર આવેલું કે, તેમના કાર્યકાળ દરમ્યાન જેતે વખતના ચીટનીસ, નિવાસી અધિક કલેક્ટર તથા પોતાના મળતિયાઓને આર્થિક લાભોની લ્હાણી કરી હતી. તેઓએ ભૂતકાળમાં ભાગીદારીમાં ચોખાની મિલ ચલાવી તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હતો.
કોઈ મિલ્કત ખરીદવાની હોય તે અગાઉ તેઓ પોતાના પુત્રની માલિકીની બનાવટી કંપનીમાં ટૂકડે ટૂકડે નાણાં જમા કરાવતાં. બાદમાં આ રોકડ રકમ પોતાના બચત ખાતાંમાં ટ્રાન્સફર કરાવતાં. અને આ ખાતાં મારફતે તેઓ મિલકતની ખરીદીઓ કરતાં. તેમણે કુલ રૂ. 11.64 કરોડની અપ્રમાણસરની મિલકત વસાવી હતી.
તેની બેનામી સંપત્તિઓની કુલ સંખ્યા 12 છે. જેમાં 6 ખેતીની જમીન, અમદાવાદમાં 2 બંગલા અને 1 કોર્પોરેટ ઓફિસ, વડોદરામાં 3 દુકાન અને જૂનાગઢમાં 1 મિલકત ઉપરાંત અમદાવાદમાં ફાર્મ હાઉસ તથા બેંકોમાં કુલ 20 એકાઉન્ટ- આટલી વિગતો ACBમાં જાહેર થઈ છે. આ મિલ્કતો અને બેંક એકાઉન્ટસ આગામી સમયમાં સીઝ થશે.