Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી કિંમતી સરકારી જગ્યા પર છેલ્લા આશરે પંદરેક વર્ષથી તત્કાલીન નાયબ મામલતદાર તથા વસઈ ખાતે રહેતા તેમના જમાઈએ એકસંપ કરી બિનઅધિકૃત રીતે આ જગ્યા પચાવી પાડવા સબબ બન્ને સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના પાદરમાં આવેલા રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 421/2 વાળી ખીતીની જગ્યા કે જેનું ક્ષેત્રફળ 5.25 હેક્ટર (32 વીઘા) છે,
આ જગ્યા ખંભાળિયા ખાતે રહેતા અને નિવૃત્ત નાયબ મામલતદાર નારણભાઈ છગનભાઈ મકવાણા તથા જામનગર જિલ્લાના વસઈ ખાતે રહેતા તેમના જમાઈ મોહનભાઈ કારાભાઈ પરમાર દ્વારા વર્ષ 2006 થી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી અને આ જગ્યા પર કૂવો બનાવી અને તેમાં ખેડ કરીને ઉપજ મેળવવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતા અરજદાર ગૌતમભાઈ મકવાણાના પિતાને ઉપરોક્ત જમીન સરકાર દ્વારા આશરે પંચાવન વર્ષ પૂર્વે સાથણીમાં મળી હતી. જે જગ્યામાં અરજદારના મૃતક પિતાએ બેંકમાંથી લોન લીધી હતી. જે લોન તેઓ ભરપાઈ કરી ન શકતા બેંક દ્વારા નિયમ અનુસાર 1982ની સાલમાં આ જમીનની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં સરકાર દ્વારા બાકી રહેતી લોનની રકમ ભરપાઈ કરવામાં આવતાં આ જમીન શ્રી સરકાર થઈ ગઈ હતી.
ત્યારબાદ સરકારની માલિકીની આ જમીનનો કબજો મૂળ સાંથણીદારના ભત્રીજા છગનભાઈ ખીમાભાઈ મકવાણાએ આ સરકારી જમીનમાં કબજો કર્યો હતો. બાદમાં વર્ષ 2006માં તેમનું અવસાન થતાં આ જમીનનો કબજો તેમના પુત્ર નારણભાઈ છગનભાઈ મકવાણા તથા તેના જમાઈ મોહનભાઈ કારાભાઈ પરમાર પાસે રહ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની રેવન્યુ રેકોર્ડથી ખરાઈ કરાતા જમીન સરકારી પડતર તરીકે હાલમાં છે. સરકારી જંત્રી મુજબ આ જમીનની કિંમત રૂપિયા 17,32,797 થાય છે અને વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ જમીનની બજાર કિંમત અંદાજીત રૂપિયા દોઢેક કરોડ જેટલી હોવાનું પણ કહેવાય છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ સર્કલ ઓફિસર મનદીપસિંહ કનુભા જાડેજાની ફરિયાદ પરથી નારણભાઈ તથા મોહનભાઈ સામે જમીન પ્રતિબંધ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા રાયટર શક્તિસિંહ જાડેજા અને હરદાસભાઈ ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત બંને શખ્સોની પોલીસે હાલ અટકાયત કરી, અને કોરોના રિપોર્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.